04 May, 2026 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેમાંથી આગ લાગવાની ઘટના (Thane Fire) સામે આવી છે. આજે વહેલી સવારે થાણે પશ્ચિમના વાગલે એસ્ટેટ વિસ્તારમાં આવેલ જ્ઞાનેશ્વર નગરમાં વિદ્યુત વિતરણના યુનિટમાં આગ ભભૂકી ઊઠી હતી. આજે ચોથી મેના રોજ વહેલી સવારે આગ લગાવનો આ હાદસો સામે આવતાં ચકચાર મચી જવા પામી હતી.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને લગભગ મોડી રાત્રે 2:55 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. ઘટના (Thane Fire)ની માહિતી મળતાંની સાથે ઇમર્જન્સી સેવાઓએ તાત્કાલિક ત્યાં આવી પહોંચીને પ્રતિક્રિયા આપી હતી. આ બાબતે વધુ માહિતી શેર કરતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારમાં પોલીસ ચોકીની નજીક આવેલા મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (મહાવિતરણ) ડિસ્ટ્રિબ્યુશન પોઇન્ટ પર આગ લાગી હતી. જેવી આ દુર્ઘટના વિષે જાણ થઈ કે તરત જ ફાયર બ્રિગેડની ટીમો ફાયર એન્જિન અને રેસ્ક્યૂ વેહિકલ સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ફાયરબ્રિગેડની ટીમોએ અડધો કલાકમાં તો લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી હતી.
ફાયર બ્રિગેડની ટીમો તો ખરી જ પણ એની સાથેસાથે મહાવિતરણના કર્મચારીઓ પણ પરિસ્થિતિનું (Thane Fire) સંચાલન કરવા માટે દોડી આવ્યા હોવાની માહિતી મળી રહી છે. સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેની ખાતરી કરવા માટે મહાવિતરણના કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હોવાની માહિતી મળી રહી છે.
ફાયર વિભાગના અધિકારીઓએ એ વાતની પુષ્ટિ આપી હતી કે હાલમાં આગ (Thane Fire)ને સંપૂર્ણ રીતે નિયંત્રણમાં લેવામાં આવી છે અને લગભગ 3:20 વાગ્યે આગ ઓલવાઈ ગઈ હતી અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, અધિકારીઓએ હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ શેર કર્યું નથી. આ આગ લાગવા પાછળ કયા કયા કારણો છે તે અંગેની સઘન તપાસ ચાલી રહી છે.
આગની તાજેતરની જ એક અન્ય ઘટના (Thane Fire) વિષે વાત કરીએ તો નવી મુંબઈના એક વિલેજમાં રવિવારે બપોરના સમયે ખુલ્લા મેદાનમાં આગ લાગી હતી અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. લગભગ બપોરે 2:40 વાગ્યે ભંડારલી વિલેજમાં ખુલ્લા મેદાનમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. એરોલી, કોપરખૈરાને અને નેરુલ ફાયર વિભાગની ટીમો વોટર બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર એન્જિન પણ તૈનાત કરવામાં આવી હતી એમ અધિકારીએ જણાવ્યું હતું. જોકે, આ ઘટનામાં પણ કોઈ જ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.