Thane Fire: પ્લાસ્ટિક શીટ્સ બનાવતા યુનિટમાં આગ ભભૂકતાં મશીનરી સહિત કાચો માલ બળી ગયો

16 August, 2026 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Thane Fire: ઉપવન ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં પાંડે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટસ્થિત એસઆરકે ટ્રેડર્સ નામના યુનિટમાં આજે સવારે આશરે ૬.૨૧ વાગ્યે આગ લાગી હતી. આ યુનિટ આશરે ૧૨૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે

આગ લાગ્યા બાદ યુનિટમાં બળી ગયેલા સામાનની રાખ પ્રસરી હતી (તસવીર: સ્પેશિયલ અરેંજમેન્ટ)

થાણેમાંથી આગ લાગવાનો હાદસો (Thane Fire) સામે આવ્યો છે. આજે રવિવારે વહેલી સવારે થાણેના ઉપવન ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં એક પ્લાસ્ટિક શીટનું ઉત્પાદન કરતાં યુનિટમાં આગ ભભૂકી ઉઠી હતી. અગ્નિ જ્વાળાઓએ મશીનરી, રો મટિરિયલ અને યુનિટના પરિસરને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.  અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉપવન ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં પાંડે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટસ્થિત એસઆરકે ટ્રેડર્સ નામના યુનિટમાં આજે સવારે આશરે ૬.૨૧ વાગ્યે આગ લાગી હતી. આ યુનિટ આશરે ૧૨૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને અહીં પ્લાસ્ટિક શીટ્સ બનાવવામાં આવે છે.

હાશ, કોઈ જાનહાનિ થઇ નથી

આગના આ હાદસા અંગેની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ (Thane Fire)ના કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને વીજળી યુટિલિટી સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બે ફાયર ટેન્ડર, બે રેસ્ક્યૂ વેહિકલ અને એક જમ્બો વોટર ટેન્કર તેમજ બે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ પિકઅપ વેહિકલ સાથે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ ઘટના દરમિયાન કોઈ જાનહાનિ થઈ ન હતી. આપત્તિ વ્યવસ્થાપન અધિકારી વાય. એમ. તડવીએ વર્તક નગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સ્થળ પર પ્રતિક્રિયાની દેખરેખ રાખી હતી. મહાવિતરણના કર્મચારીઓ પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

સાત વાગતાં સુધીમાં આગ ઠારી દેવાઈ

લગભગ અડધો કલાકમાં તો ફાયર બ્રિગેડના કર્મચારીઓ (Thane Fire) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કર્મચારીઓએ આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી. લગભગ સાત વાગતાં સુધીમાં તો સંપૂર્ણપણે આગ ઓલવી દેવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર એસઆરકે ટ્રેડર્સ ખાતે પ્લાસ્ટિક શીટ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી તમામ મશીનરી અને કાચો માલ આગમાં બળીને ખાખ થઇ ગયો છે. આગની જ્વાળાઓને કારણે પરિસરની સિમેન્ટની રૂફિંગ શીટ્સને પણ નુકસાન થયું હતું અને તે તૂટી પડી હતી.
આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી, જ્યારે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

બાંદરામાં સાત માળની બિલ્ડિંગમાં આગ

શનિવારે સવારે મુંબઈના બાંદરા પશ્ચિમમાં સાત માળની ઇમારતમાં આગ લાગવાથી (Thane Fire) સાત લોકોને ગૂંગળામણ થઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. સ્ટેશન રોડ પર બી વિંગના એમકે ચેમ્બરમાં સવારે સાડા દસ વાગ્યે આગ લાગી હતી. મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર અગ્નિશામકોએ ત્વરિત કામગીરી કરતાં 10:49 સુધીમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું ન હતું. બાંદરાની ભાભા હોસ્પિટલના સહાયક તબીબી અધિકારી પાસેથી મળેલી માહિતી અનુસાર, આગને પગલે સાત લોકોને ગૂંગળામણ થઈ હતી. તમામ સાત લોકોની હાલત સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ આઉટ પેશન્ટ દર્દીઓની જેમ જ સારવાર લઈ રહ્યા છે.

mumbai news mumbai thane mumbai fire brigade thane municipal corporation fire incident