27 July, 2026 10:36 AM IST | Thane | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
થાણેના વર્તકનગરમાં આવેલા સાઠેનગર નાકા પાસે જાહેર શૌચાલયમાં લઘુશંકા માટે ગયેલા ૬૭ વર્ષના સોનાના વેપારી શાંતિલાલ કોઠારીનું ગળું દબાવીને, તેમને ચાકુ બતાવીને ૬૪,૯૩,૫૦૦ રૂપિયાની માલમતા લૂંટી લેવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મુંબઈના ડોંગરીમાં રહેતા શાંતિલાલ કોઠારી શુક્રવારે બપોરે મુલુંડ સ્ટેશન ઊતરી વૈશાલીનગર થઈને દાગીનાનો તૈયાર માલ ડિલિવરી કરવા થાણેના સાઠેનગર પહોંચ્યા હતા. ત્યાં તેઓ નજીકના જાહેર શૌચાલયમાં રોકાયા ત્યારે બદમાશોએ તેમને નિશાન બનાવ્યા હતા. આ મામલે શ્રીનગર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. એમાં નજીકના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના માધ્યમથી આરોપીઓ સુધી પહોંચવાની કોશિશ કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસે આ લૂંટમાં કોઈ જાણભેદુ સામેલ હોવાની શંકા પણ વ્યક્ત કરી છે.
શાંતિલાલ કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે બપોરે સાડાત્રણ વાગ્યે હું સાઠેનગર પહોંચીને શૌચાલયમાં ગયો એટલે તરત જ પાછળથી આવેલા એક માણસે મારું ગળું દબાવી દીધું હતું. મેં મદદ માટે અવાજ કરવાનો પ્રયાસ કર્યો તો તેના બીજા સાથીદારે અંદર આવીને ધારદાર ચાકુ બતાવીને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે ચાકુ વડે મારા ગળામાં લટકાવેલા પર્સનો પટ્ટો કાપી નાખ્યો હતો. આ ઝપાઝપીમાં મારા ડાબા હાથ પર ઈજા થઈ હતી. આ દરમ્યાન પર્સ આંચકી લીધા બાદ બન્ને જણ બહાર દોડી ગયા હતા, જ્યાં અગાઉથી ટૂ-વ્હીલર ચાલુ રાખીને ઊભેલા ત્રીજા સાથીદાર સાથે બાઇક પર બેસીને તેઓ ફરાર થઈ ગયા હતા. રાહદારીઓએ તેમને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ છટકી જવામાં સફળ રહ્યા હતા. અંતે મેં આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરીને મારી ફરિયાદ નોંધાવી હતી.’
શ્રીનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ લૂંટમાં કુલ ૬૪,૯૩,૫૦૦ રૂપિયાની કિંમતના ૬૦૧.૨૫ ગ્રામ સોનાના દાગીના (મંગળસૂત્ર, પેન્ડન્ટ, મહિલા-પુરુષોની વીંટીઓ, બુટ્ટીઓ અને બાળકોનાં લૉકેટ વગેરે)ની તથા ૧૫,૦૦૦ રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ છે. આ કેસમાં કોઈ જાણભેદુ સામેલ હોવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ફરિયાદી પાસે આટલી મોટી માત્રામાં સોનું છે એની ચોક્કસ માહિતી કોઈ નજીકની વ્યક્તિ સિવાય બહારના લોકોને હોવી અશક્ય છે. હાલ અમે ઘટનાસ્થળની આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજ મેળવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.’