18 September, 2025 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈડન વુડ્સ સોસાયટીમાં દેખાયેલો દીપડો.
થાણેના માનપાડામાં ખેવરા સર્કલ નજીક આવેલી ઈડન વુડ્સ સોસાયટીમાં મંગળવારે મોડી રાત્રે ખોરાકની શોધમાં આવેલા એક દીપડાએ રખડતા શ્વાન પર શિકાર કરવાના ઇરાદાથી હુમલો કર્યો હતો. જોકે એ સમયે બીજા શ્વાનને જોરથી ભસતો જોઈને દીપડો ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટના સોસાયટીમાં લાગેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ જતાં સોસાયટી તેમ જ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટનાની નોંધ લીધા બાદ ગઈ કાલે થાણેના ફૉરેસ્ટ વિભાગે ઘટનાસ્થળની મુલાકાત લઈને રાતના સમયે બાળકોને એકલાં સોસાયટીના કમ્પાઉન્ડમાં ન મોકલવાની તેમ જ એકલા ફરતી વખતે આસપાસમાં ધ્યાન રાખવાની સૂચના આપી હતી. એની સાથે દીપડાથી કઈ રીતે બચીને રહેવું એની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
થાણે રેન્જના ફૉરેસ્ટ ઑફિસર નરેન્દ્ર મુઠેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઈડન વુડ્સ સોસાયટીના કમ્પાઉન્ડમાં મંગળવારે રાતે ૩ વાગ્યાની આસપાસ ખોરાકની શોધમાં એક દીપડો આવ્યો હોવાની માહિતી અમને મળી હતી. ત્યાર બાદ ગઈ કાલે અમારા અધિકારીઓ વધુ વિગતો લેવા માટે સોસાયટીમાં પહોંચ્યા હતા. એ સમયે સોસાયટીના લોકો એટલી હદે ગભરાયેલા હતા કે તેઓ નીચે આવવા તૈયાર નહોતા. અમે જેમતેમ કરીને સોસાયટીના મેમ્બરોને નીચે બોલાવીને દીપડાથી બચવા માટે શું ઉપાય-યોજના કરવી એની માહિતી આપી હતી. આ સોસાયટી ફૉરેસ્ટ વિસ્તાર નજીક હોવાથી એવું લાગે છે કે જંગલ વિસ્તારમાંથી આ દીપડો આવ્યો હશે.’
દીપડાથી બચવા શું કરવું એની અવેરનેસ ફેલાવવામાં આવી
ગઈ કાલે સોસાયટીના લોકોનો અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો એમ જણાવતાં ફૉરેસ્ટ ઑફિસર નરેન્દ્ર મુઠેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઈડન વુડ્સ સોસાયટી તેમ જ આસપાસની સોસાયટીઓમાં વધારે પ્રમાણમાં અને વધારે ઉજાસવાળા હેલોજન બલ્બ લગાવવા, રાતના સમયે નાનાં બાળકોને કમ્પાઉન્ડમાં એકલાં ન મોકલવાં, સોસાયટીમાં અવાજ આવે એવી લાકડી તૈયાર રાખવી કારણ કે અવાજને કારણે દીપડો ભાગી જતો હોય છે એ જણાવવા ઉપરાંત અવાજવાળા ફટાકડા રાખવાની માહિતી મેમ્બરોને આપવામાં આવી છે. જો સોસાયટીમાં વૉચમૅન હોય તો તેને રાતના સમયે સાવચેતી રાખીને રાઉન્ડ મારવાની માહિતી આપવામાં આવી છે.’