18 July, 2026 01:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં ૩૭ વર્ષના પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આત્મસમર્પણ કર્યું હોવાની માહિતી પોલીસે શુક્રવારે આપી હતી. પત્નીના ચારિય પર શંકા હોવાને કારણે આરોપીએ દુપટ્ટાથી તેનું ગળું ભીંસીને હત્યા કરી હોવાની ઘટના ગુરુવારે થાણેના વર્તકનગરમાં બની હતી.
પોલીસે જણાવ્યા મુજબ આરોપી નીતિન તુપે તેની ૩૦ વર્ષની પત્ની પૂજા અને બે બાળકો સાથે રહેતો હતો. નીતિનને ઘણા સમયથી પૂજાના ચરિત્ર પર શંકા હતી અને એ જ કારણસર ગુરુવારે તેનાં બાળકો સ્કૂલમાં ગયાં હતાં ત્યારે તેણે આ બાબતે પૂજા સાથે માથાકૂટ કરી હતી અને દુપટ્ટા વડે તેનું ગળું દાબીને તેની હત્યા કરી હતી.
પૂજાની હત્યા કર્યા બાદ તેણે કરેલા કૃત્યની જાણકારી તેના એક મિત્રને આપી હતી અને સામેથી જ પોલીસના હવાલે થઈ ગયો હોવાનું સિનિયર ઇન્સ્પેક્ટર પ્રવીણ માનેએ જણાવ્યું હતું. પોલીસે નીતિન વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી. હાલ આરોપીનાં બાળકોને તેમના સંબંધીઓના ઘરે મોકલાવી દેવાયાં હોવાનું પોલીસે વધુમાં જણાવ્યું હતું.