18 October, 2025 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) પાસે રખડતા શ્વાનોને પકડવા કે રસી આપવા માટે પોતાની ટીમ ન હોવાના અહેવાલ સામે આવ્યા હતા. એને કારણે રખડતા શ્વાનોની સમસ્યાને ઉકેલવા માટે એક ઍનિમલ ફ્રેન્ડ્સ ઑર્ગેનાઇઝેશનની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને વર્ષે આશરે ૨.૩૩ કરોડ રૂપિયા આપવામાં આવશે.
આશરે ૨૬.૨૮ લાખની લોકવસ્તી ધરાવતા થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારમાં લગભગ ૫૨,૫૭૩ રખડતા શ્વાનો અને બિલાડીઓ હોવાનો અંદાજ છે એટલે કે માનવવસ્તીના લગભગ બે ટકા રખડતાં પ્રાણીઓ છે.
TMC પાસે પોતાની કોઈ ડેડિકેટેડ ટીમ ન હોવાથી શ્વાનોના રસીકરણ અને અન્ય કામગીરી માટે નવાં ટેન્ડર બહાર પાડ્યાં હતાં અને પાંચ વર્ષ માટે ૧૨.૧૬ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચને મંજૂરી આપી હતી.
હવે પૂરતી ટ્રેઇનિંગ અપાઈ હોય એવા ૩૦ જેટલા કામદારો ત્રણ ઝોનમાં બે શિફ્ટમાં કામ કરશે. કામગીરીનું નિરીક્ષણ બે એક્સપર્ટ દ્વારા કરવામાં આવશે અને બે ડૉક્ટર સારવાર માટે મદદ કરશે. આ પ્રોજેક્ટ માટે અર્બન એન્વાયરો વેસ્ટ મૅનેજમેન્ટ લિમિટેડની પસંદગી થઈ હતી.