થાણે: ડૉક્ટર પતિ CCTV કૅમેરા ગોઠવી નજર રાખતો, પત્નીએ ગળાફાંસો ખાઈ લીધો

18 June, 2026 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Thane: અંબરનાથમાંથી સુસાઇડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હજી તો સંસાર માંડ્યાને માંડ ૪૮ દિવસ જ થયા હતા ત્યાં ૨૬ વર્ષની નવપરિણીતાએ જીવન ટૂંકાવ્યું હોવાની ખબર મળી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

અંબરનાથમાંથી સુસાઇડનો ચોંકાવનારો કિસ્સો (Thane) સામે આવ્યો છે. હજી તો સંસાર માંડ્યાને માંડ ૪૮ દિવસ જ થયા હતા ત્યાં ૨૬ વર્ષની નવપરિણીતાએ જીવન ટૂંકાવ્યું હોવાની ખબર મળી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે યુવતીનો પતિ ડૉક્ટર હતો. પતિ અને સાસરિયાઓ દ્વારા દહેજના નામે યુવતીની શારીરિક અને માનસિક સતામણી થઈ રહી હતી. જેનાથી ત્રાસીને યુવતીએ જીવન પૂરું કરી નાખ્યું છે.

હાલમાં જ ૩૦ એપ્રિલના રોજ વિશાખાનું લગ્ન નીતિન ટિળકર સાથે થયું હતું. શરૂશરૂમાં (Thane) બધુ જ નોર્મલ હતું પરંતુ ધીમે ધીમે પતિએ અને સાસરિયાઓએ પોતાનું અસલ સ્વરૂપ દેખાડવાની શરૂઆત કરી. પૈસા, દાગીનાની તો ડિમાન્ડ રહેતી જ પણ વિશાખા પર કડક દેખરેખ પણ રાખવામાં આવતી હતી. લગ્નમાં વિશાખાના સાસરિયાઓને જે વહેવાર આપવામાં આવ્યો હતો તે એ લોકોને અપૂરતો લાગતો હતો. એટલે જ લગ્ન બાદ તે લોકોએ વિશાખાને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. પિયરમાંથી વધારે દાગીના અને રોકડા પૈસા લઈ આવવા માટે સતત તેના પર દબાણ કરવામાં આવતું હતું.

CCTV કૅમેરાઓનો પહેરો

અહેવાલો અનુસાર વિશાખાના પતિએ તેની દરેક ગતિવિધિ પર નજર રાખવા માટે ઘરની અંદર અને બહાર બધે જ CCTV કૅમેરા લગાડ્યા હતા. જેણે કારણે વિશાખાની પ્રાઈવસી પણ છીનવાઇ ગઈ હતી. તે બધી જ રીતે સાવ એકલી થઈને પડી ભાંગી હતી. એટલું જ નહીં, વિશાખા આડોશ-પાડોશમાં પણ વાત કરવા જતી તો સાસરિયાઓ ઝગડવા લાગતાં હતા. આવા કારણોસર તો ઘણીવાર તેની મારપીટ સુદ્ધાં કરવામાં આવતી. વિશાખાનો પતિ ઘરની અંદર-બહાર લગાડેલા કૅમેરાના ફૂટેજ જોતો. જો વિશાખા કોઈની પણ સાથે વાત કરતી દેખાતી તો તે ઘરે આવીને ઢોર માર મારતો. વિશાખાએ જીવન ટૂંકાવ્યું તેના આગલા દિવસે જ તે એક પડોશમાં રહેતી મહિલા સાથે વાત કરતી પકડાઈ હતી અને તેને ખૂબ મારવામાં આવી હતી.

અહેવાલો (Thane) અનુસાર વિશાખાએ પોતાની આપવીતી તેની મમ્મીને ફોન પર જણાવી હતી. માતા-પિતા દીકરીને અહીં લેવા આવે એ પહેલાં તો વિશાખાએ ગળેફાંસો ખાઈને આ દુનિયાને જ અલવિદા કહી દીધું.

આ ઘટના (Thane) બાદ અંબરનાથના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં વિશાખાના પતિ નીતિન, સાસુ છાયાબહેન અને પતિના ભાઈ નિનાદ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ વિરુદ્ધ માનસિક-શારીરિક ત્રાસ આપવા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો (એબેટમેન્ટ ટુ સુસાઈડ) કેસ દાખલ કરાયો છે. હાલમાં નીતિન ટિળકરની ધરપકડ કરી છે. અન્ય બે આરોપીઓ નાસી છૂટ્યા છે. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે અને આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

mumbai news mumbai suicide thane thane crime ambernath mumbai police