થાણેમાં વરસાદને કારણે ઘરનો એક ભાગ તૂટી પડ્યો, છોકરાને વીજળીનો કરન્ટ લાગ્યો

12 June, 2021 02:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા સંતોષ કદમે આપી માહિતી

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં વરસાદ દરમ્યાન ઘરનો એક ભાગ તૂટી પડવાને કારણે ૧૨ વર્ષના એક છોકરાને વીજળીનો કરન્ટ લાગ્યો હોવાનું અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા સંતોષ કદમના જણાવ્યા પ્રમાણે કેવલ બુથેલો નામનો છોકરો થાણેના ચારી વિસ્તારમાં આવેલા તેના ઘર નજીકના ખાબોચિયામાં પડેલા જીવતા વાયરના સંપર્કમાં આવતાં તેને વીજળીનો કરન્ટ લાગ્યો હતો. હાલ છોકરો સારવાર હેઠળ છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે મુંબ્રાના સંજયનગરમાં ઘરની દીવાલનો એક ભાગ વરસાદને કારણે પડી ગયો હતો. ઘરનો બાકીનો ભાગ અને બાજુની ઇમારત ગંભીર સ્થિતિમાં હતાં અને સુધરાઈના અધિકારીઓ સ્થળની તપાસ કરી રહ્યા છે.

સંબંધિત ગતિવિધિમાં ભારે વરસાદની આગાહીને જોતાં થાણેના મેયર નરેશ મ્હાસ્કેએ નાગરિકોને ઘરની બહાર ન નીકળવા અનુરોધ કર્યો છે. સાથે જ તેમણે નાગરિકોને વૃક્ષની નજીક, જર્જરિત ઇમારત કે કમ્પાઉન્ડની દીવાલ નજીક આશ્રય ન લેવા અને સલામત સ્થળે વાહનો પાર્ક કરવાની અપીલ કરી છે.

mumbai mumbai news thane mumbai rains mumbai monsoon