✕

નવજાત બાળકોને વેચતી ગૅન્ગ પકડાઈ

08 November, 2026 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હોમગાર્ડના જવાન સહિત ૧૦ જણની ધરપકડ, ૨૦ ‌દિવસના ‌શિશુને શોધી કાઢીને ઉગારી લેવાયું

પ્રતીકાત્મક તસવીર

થાણેમાં પોલીસે એક ગૅન્ગના ૧૦ સભ્યોની ધરપકડ કરી છે જેમાં હોમગાર્ડના એક જવાનનો પણ સમાવેશ થાય છે. આ ગૅન્ગ નવજાત શિશુના વેચાણમાં સંડોવાયેલી હતી. પોલીસે બાળકને સુરક્ષિત રીતે બચાવી લીધું છે એમ એક ઑફિસરે શનિવારે જણાવ્યું હતું.
ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઝોન-૧) બાળાસાહેબ પાટીલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મુંબ્રા પોલીસ-સ્ટેશનના કર્મચારીઓએ ફરિયાદ મળ્યાના ૨૪ કલાકની અંદર શુક્રવારે ૨૦ દિવસના શિશુને હેમખેમ શોધી કાઢ્યું હતું. તેમણે કહ્યું કે ફરિયાદી ૧૯ વર્ષની અનિસા રફીક શેખ, જે મુંબ્રા રેલવે-સ્ટેશન પાસે ભીખ માગીને ગુજરાન ચલાવે છે તેને રેહાન રિઝવાન શેખ નામના આરોપીએ દબાણ કરીને તેના પુત્રને ૨.૫ લાખ રૂપિયામાં વેચવા મજબૂર કરી હતી. રેહાને શરૂઆતમાં અનિસાને ૧.૨ લાખ રૂપિયા આપ્યા હતા. જોકે બાદમાં તેણે અને તેના સાથીએ અનિસા અને તેની બહેનને માર માર્યો અને બળજબરીથી એ પૈસા પાછા લઈ લીધા હતા. 
આ ઘટના બાદ પાંચ નવેમ્બરે મુંબ્રા પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ ગૅન્ગને પકડવા અને બાળકને બચાવવા માટે પોલીસની એક ટીમ બનાવવામાં આવી હતી. ૨૪ કલાકની અંદર પોલીસે થાણેમાંથી ૭ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. વધુ તપાસ દરમ્યાન પોલીસટીમ જાલના જિલ્લામાં પહોંચી જ્યાં તેમણે મુંબઈના ઘાટકોપરમાં ફરજ બજાવતા હોમગાર્ડ ગોપીનાથ ધોત્રેને તાબામાં લીધો હતો જેણે બાળકને વેચવામાં મદદ કરી હતી. અન્ય એક ટીમે રત્નાગિરિમાં તે શિશુને શોધી કાઢ્યું અને તેને સુરક્ષિત રીતે થાણે પાછું લઈ આવી હતી. બાકીના બે આરોપીઓની ૬ નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.’ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે બાળકને કોને વેચવામાં આવ્યું હતું.
ધરપકડ કરાયેલી તમામ ૧૦ વ્યક્તિઓને ૧૦ નવેમ્બર સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવી છે. 

બાળક ક્યાં?
મેડિકલ તપાસ બાદ ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (CWC)ના નિર્દેશ મુજબ બચાવી લેવાયેલા શિશુને ડોમ્બિવલીની ‘જનની આશિષ સંસ્થા’ની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે. હવે CWC જ બાળકની આગળની કસ્ટડી વિશે નિર્ણય લેશે.

mumbai news mumbai thane crime thane