✕

થાણેમાં બન્ને શિવસેના સામસામે, વાતાવરણ તંગ

30 October, 2026 08:53 AM IST  |  Thane | Gujarati Mid-day Correspondent

શિંદેસેનાનાં મીનાક્ષી શિંદેએ થાણે જિલ્લા મહિલા આઘાડીના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું

મીનાક્ષી શિંદે

થાણેમાં શિવસેના (UBT)ના પ્રદીપ પુર્ણેકરની થયેલી નિર્મમ હત્યાએ રાજ્યનું રાજકારણ ગરમ કરી દીધું છે. આ પ્રકરણમાં ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદે અને તેમના પતિ રાજેન્દ્ર શિંદેની ધરપકડ કરવામાં આવે એવી ઉગ્ર માગણી સાથે પુર્ણેકર પરિવાર દ્વારા સતત વિરોધ-પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગઈ કાલે શિવસેના (UBT)ના આદિત્ય ઠાકરે અને સંસદસભ્ય સંજય રાઉત સહિતના દિગ્ગજ નેતાઓએ પ્રદીપ પુર્ણેકરના પરિવારની મુલાકાત લીધી ત્યારે થાણેનું વાતાવરણ વધુ તંગ બન્યું હતું. આ હત્યાકાંડ પાછળ ગંભીર રાજકીય ષડયંત્ર હોવાનો આક્ષેપ કરીને વિપક્ષી દળો ન્યાયની માગણી કરી રહ્યાં છે, જેને કારણે થાણે પોલીસ-કમિશનરના કાર્યાલય અને ટેંભીનાકા વિસ્તારમાં બન્ને પક્ષોના સમર્થકો વચ્ચે ભારે રાજકીય ઘર્ષણ અને તનાવ સર્જાયો હતો.
થાણેમાં શિવસેના (UBT) અને શિંદે જૂથના કાર્યકર્તાઓ ટેંભીનાકા વિસ્તારમાં સામસામે આવી જતાં ભારે હંગામો મચી ગયો હતો. આદિત્ય ઠાકરે અને સંજય રાઉતે થાણે પહોંચીને પુર્ણેકર પરિવારને સાંત્વન આપ્યું હતું અને ત્યાર બાદ પોલીસ-કમિશનરની મુલાકાત લીધી હતી. કમિશનર સાથેની આ બેઠકમાં તેમણે આક્રમક સવાલ ઉઠાવ્યો હતો કે ઘટનાને એક મહિનો વીતી જવા છતાં મુખ્ય ગુનેગારો સામે કડક અને નક્કર કાર્યવાહી કેમ કરવામાં નથી આવી રહી? પોલીસ પ્રશાસન પર કોઈ રાજકીય દબાણ છે કે કેમ એવી શંકા પણ તેમણે વ્યક્ત કરી હતી. આદિત્ય ઠાકરેએ પત્રકાર-પરિષદને સંબોધતાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ કેસના માસ્ટરમાઇન્ડને બચાવવા માટે અત્યંત ઉત્સુક છે અને રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ સમગ્ર મામલે રહસ્યમય મૌન સેવી રહ્યા છે. સંસદસભ્ય સંજય રાઉતે પણ આ સરકારની ઝાટકણી કાઢતાં રાજ્યના વર્તમાન નેતૃત્વને અત્યાર સુધીનું સૌથી અક્ષમ અને નિષ્ક્રિય નેતૃત્વ ગણાવ્યું હતું.

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો વિપક્ષ પર પલટવાર અને મીનાક્ષી શિંદેનું રાજીનામું

વિપક્ષના આક્રમક હુમલાઓ સામે શિવસેનાના મુખ્ય નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ‘બહારના લોકો થાણેમાં આવીને નાગરિકોને અકારણ હેરાન કરવાનું અને અશાંતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. પુર્ણેકર પરિવારની આ અત્યંત દુઃખદ ઘટના પર કેટલાક રાજકીય પક્ષો પોતાની રાજકીય રોટલી શેકવાનું ઘૃણાસ્પદ કામ કરી રહ્યા છે જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.’ 
પોલીસની કાર્યવાહી વિશે માહિતી આપતાં એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે ‘પોલીસે અત્યંત ઝડપથી તપાસ કરીને મુખ્ય આરોપીઓ અને શસ્ત્રો કબજે કરી લીધાં છે. મેં પોલીસ-કમિશનરને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે આ મામલે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને કોઈ પણ દોષીને બચાવવામાં ન આવે.’ 
મીનાક્ષી શિંદેના રાજીનામા વિશે એકનાથ શિંદેએ કહ્યું હતું કે પક્ષ અને સંગઠનની પ્રતિષ્ઠા તેમ જ સ્વચ્છ છબિ જાળવી રાખવા માટે મીનાક્ષી શિંદેએ સ્વેચ્છાએ થાણે જિલ્લા મહિલા આઘાડીનાં પ્રમુખપદેથી પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. મીનાક્ષી શિંદેએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે આ ઘટના સાથે તેમને કોઈ સીધો સંબંધ ન હોવા છતાં તેમના નામનો ઉપયોગ કરીને પક્ષ અને નેતૃત્વને બદનામ કરવાનું જે કુચક્ર રચાઈ રહ્યું છે એને જોઈને તેમના મનને ભારે વેદના થઈ છે એટલે તેમણે પક્ષના હિતમાં આ પગલું ભર્યું છે.

mumbai news mumbai Crime News mumbai crime news shiv sena murder case political news uddhav thackeray