23 July, 2026 01:17 PM IST | Thane | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે (Thane) જિલ્લામાં સતત થઈ રહેલા ભારે વરસાદને (Thane Rains Updates) કારણે ગુરુવારે કલ્યાણ (Kalyan) તાલુકાના બે મહત્વપૂર્ણ પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના પગલે માર્ગ વ્યવહાર ખોરવાયો છે અને પાણીનું સ્તર વધતા સત્તાવાળાઓને વાહનવ્યવહાર અન્ય માર્ગે ડાયવર્ટ કરવાની ફરજ પડી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે નદી-નાળાઓ છલકાઈ જતાં મહત્વના પુલો પરથી વાહનવ્યવહાર ચલાવવો અસુરક્ષિત બન્યો છે. થાણે અને આસપાસના વિસ્તારમાં સતત ભારે વરસાદ ચાલુ હોવાથી તંત્રે રહીશોને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
કલ્યાણના તહસીલદાર વિકાસ ગરુડકર (Vikas Garudkar)ના જણાવ્યા અનુસાર, કાલુ નદીમાં પાણીની સપાટી ઝડપથી વધતા ટિટવાળા-ફાલેગાંવ રોડ (Titwala-Falegaon road) પર આવેલો રુંડે પુલ (Runde bridge) સવારે ૮ વાગ્યાની આસપાસ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે રુંડે પુલને તમામ વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ પુલ બંધ થવાથી આસપાસના અનેક ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો છે, જેથી તંત્રે ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કર્યું છે.
કલ્યાણ તાલુકામાં આવેલા વાલકસ-વેહરે પુલ (Walkas-Vehare bridge) પર પણ સતત વરસાદના કારણે પાણી ફરી વળ્યા છે અને તે છેલ્લા કેટલાક કલાકોથી વાહનવ્યવહાર માટે બંધ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાણીનું સ્તર વધવાને કારણે પુલ પરથી પસાર થવું મુસાફરો અને વાહનો માટે જોખમી બન્યું છે. જિલ્લા વહીવટીતંત્ર નદીઓના પાણીના સ્તર પર સતત નજર રાખી રહ્યું છે અને સ્થિતિ સામાન્ય થયા બાદ જ બંને પુલો પર વાહનવ્યવહાર પુનઃશરૂ કરવાનો નિર્ણય લેવાશે.
નાગરિકોને ઓછી અગવડ પડે તે માટે વહીવટીતંત્રે રુંડે અને ફાલેગાંવ ગામ તરફ આવતા-જતા લોકો માટે વૈકલ્પિક માર્ગ ખુલ્લો મૂક્યો છે. તહસીલદારે જણાવ્યું હતું કે રુંડે અને ફાલેગાંવ ગામના રહીશો માટે ખડવલી રોડ થઈને દાંબાવ જતો વૈકલ્પિક માર્ગ સંપૂર્ણપણે કાર્યરત છે. વાહનચાલકોને માત્ર નિર્ધારિત વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવા અને પૂરના પાણી ધરાવતા રસ્તાઓ કે પુલો પાર કરવાનો પ્રયાસ ન કરવા સલાહ આપવામાં આવી છે.
જિલ્લાભરમાં ભારે વરસાદ ચાલુ હોવાથી સ્થાનિક નદીઓ અને નાળાઓમાં પાણીની સપાટી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પરિસ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી રહીશોને સતર્ક રહેવા, બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
વાહનવ્યવહાર ખોરવાવા ઉપરાંત ભારે વરસાદના કારણે થાણે જિલ્લામાં અનેક જગ્યાએ વૃક્ષો પડી જવાની ઘટનાઓ પણ સામે આવી છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જોરદાર પવન અને ભારે વરસાદને કારણે વૃક્ષો ઉખડી જતાં કેટલાક વાહનો અને ઘરોને નુકસાન થયું છે. જોકે, આ ઘટનાઓમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પડેલા વૃક્ષો હટાવવા અને વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે.
થાણે મહાનગરપાલિકા (Thane Municipal Corporation)ના પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલ (Regional Disaster Management Cell) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગુરુવારે સવારે ૮:૩૦ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન થાણે શહેરમાં ૯૯.૩૨ મીમી વરસાદ નોંધાયો છે.
પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલના વડા યાસીન તડવી (Yasin Tadvi)એ જણાવ્યું હતું કે, ચાલુ ચોમાસાની ઋતુમાં શહેરનો કુલ વરસાદ ૧,૮૯૩.૭૮ મીમી સુધી પહોંચી ગયો છે, જે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન નોંધાયેલા ૧,૨૭૦.૪૮ મીમી કરતાં નોંધપાત્ર રીતે વધુ છે.