૧૮ વર્ષનો કચ્છી ટીનેજર લદ્દાખમાં માઉન્ટેનિયરિંગના કઠિન પાઠ ભણી આવ્યો

01 September, 2026 07:36 AM IST  |  Mumbai | Alpa Nirmal

૧૮ વર્ષના તનિષને તમે વાતો કરતાં સાંભળો તો સાંભળનારને અચૂક લાગે કે આ છોકરડો કેવી ઠાવકી અને મૅચ્યોર વાતો કરી રહ્યો છે

તનિષ છેડા

થાણેમાં રહેતા તનિષ છેડાએ ૯ ઑગસ્ટે લદ્દાખના ૬૨૫૦ મીટરના માઉન્ટ કાંગયાત્સે 2નું શિખર સર કર્યું. પ્યૉર જૈન ડાયટ ફૉલો કરતા તનિષે આ વર્ષે ટ્વેલ્થ (સાયન્સ)માં ૯૭.૨૫ ટકા મેળવ્યા, સૅટ (સ્કૉલૅસ્ટિક અસેસમેન્ટ ટેસ્ટ)માં ૧૩૭૦નો સ્કોર કર્યો અને વિલે પાર્લેની એન. એમ. કૉલેજમાં બૅચલર ઑફ ટેક્નૉલૉજી (BTec)ના ફર્સ્ટ યરમાં ઍડ્મિશન લઈને ૨૬ જુલાઈથી ૨૦ દિવસ માટે પર્વતારોહણના પાઠ શીખવા લદ્દાખ ગયો.

૧૮ વર્ષના તનિષને તમે વાતો કરતાં સાંભળો તો સાંભળનારને અચૂક લાગે કે આ છોકરડો કેવી ઠાવકી અને મૅચ્યોર વાતો કરી રહ્યો છે. ચાંદીની ચમચી સાથે જન્મેલા આ કિશોરે જિંદગીનાં એવાં કયાં પાસાં જોઈ લીધાં હશે કે તે જે બોલે છે એ તેનો અનુભવ લાગે છે. યસ બૉસ, ૨૦ દિવસના લદ્દાખના રોકાણમાં તનિષે કુદરતનાં જે રૂપો, સ્વરૂપો, પરિસ્થિતિઓ જોયાં અને અનુભવ્યાં છે એનાથી તે વધુ વિનમ્ર, પ્રૅક્ટિકલ અને પૉઝિટિવ થઈ ગયો છે.

ઍક્ચ્યુઅલી, નાનપણથી ઍડ્વેન્ચરપ્રેમી તનિષ જુલાઈ એન્ડમાં કોચ કેવલ કક્કા અને અન્ય બે મહિલા પર્વતારોહીઓ સાથે ભારતના ઉત્તરીય રાજ્ય જમ્મુ-કાશ્મીરના લદ્દાખ પ્રદેશમાં ગયો. મૂળ પ્લાન એવો હતો કે માઉન્ટેનિયરિંગની ટ્રેઇનિંગ સાથે ૬૪૦૦ મીટરના માઉન્ટ કાંગયાત્સે 1 તથા કાંગયાત્સે 2નું શિખર તે સર કરશે. સાથે સૂકું રણ, ઓછા ઑક્સિજન અને બરફાચ્છાદિત પહાડોમાં પર્વતારોહણનું ટેક્નિકલ અને પ્રૅક્ટિકલ જ્ઞાન મેળવશે. જોકે વહી હોતા હૈ જો કુદરત કો મંઝૂર હોતા હૈ એમ જણાવીને ૫૦૦૦ મીટરની નૅશનલ લેવલની અન્ડર-17 રેસ-વૉકિંગના કાઉન્સિલ ફૉર ધી ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) બોર્ડના પ્રતિનિધિ તરીકે ૩ ટાઇમ સિલ્વર મેડલિસ્ટ રહેલો તનિષ ‘મિડ-ડે’ને કહે છે, ‘લદ્દાખમાં આ સીઝન સારામાં સારી કહેવાય. વરસાદ નહીં, લાંબા અને બ્રાઇટ દિવસો તથા વાતાવરણ પણ મૉડરેટ. એટલે તમે લાંબો સમય ટ્રેઇનિંગ લઈ શકો. જોકે થયું એવું કે અમે પહોંચ્યા અને ત્યાં જબરદસ્ત વરસાદ પડ્યો. બે-ત્રણ દિવસમાં તો એટલું પાણી વરસી ગયું કે આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો. મેદાન-પ્રદેશ છોડીને અમે હિલ્સ પર ગયા તો ત્યાં બરફની વર્ષા અને હિમતોફાન શરૂ થઈ ગયું. એટલો બરફ પડતો કે અમારા ઘૂંટણ બરફમાં ખૂંપી જાય. આવાં કારણોસર અમારે કાંગયાત્સે 1ના સમિટનો પ્લાન પડતો મૂકવો પડ્યો.’ 

થાણેમાં ડિઝાઇનર ક્લોથ સ્ટુડિયો ધરાવતા પિતાનો પુત્ર તનિષ કહે છે, ‘એ પછી અમે અમુક ટ્રેઇનિંગ કરી અને છેક ૯ દિવસે એવા એરિયામાં આવ્યા જ્યાં મોબાઇલની રેન્જ મળી. ત્યારે ખબર પડી કે માઉન્ટેનિયરિંગમાં હું જેમને મારા રોલમૉડલ માનતો હતો તે પર્વતારોહી નિર્મલ પુર્જાનું પાકિસ્તાનની કારાકોરમ હિલ રેન્જમાં ચડાઈ કરતી વખતે હિમસ્ખલનમાં ડેથ થઈ ગયું. હું જબરદસ્ત અપસેટ થઈ ગયો. અરે, પર્વત ચડતી વખતે અમારે બહુ જ મિનિમમ સામાન રાખવાનો હોય છતાં હું તેમની બુક ‘બિયૉન્ડ પૉસિબલ’ મારી સાથે લઈ ગયો હતો અને કૅમ્પ પર પહોંચીને એ વાંચતો. આ પુસ્તકે મારો માઉન્ટન પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ કર્યો છે.’ 

જોકે આવી ડીપ હીટ પછી તનિષે ફરી તન-મન મક્કમ કર્યું અને કાંગયાત્સે 2 માટેની કૂચ શરૂ કરી. એ દિવસોમાં પણ વેધર સહિત જાતજાતની ચૅલેન્જિસ આવી. અન્ય સાથીઓ પાછા ફર્યા અને તનિષ તથા તેના સર કેવલે એ શિખર સર કર્યું. તનિષ કહે છે, ‘ક્રેઝી બરફવર્ષા પછી અમે રૂટ-ઓપનર હતા. સ્નોની કન્ડિશન એટલી ખરાબ કે ઘૂંટણ સુધી પગ બરફમાં ખૂંપ્યા પછી એની નીચેથી કાં તો વહેતું પાણી નીકળે, કાં તો એ જમીન ધસી પડે. જોકે આવી અઢળક કસોટીઓ વસૂલ થઈ. અમે ફાઇનલી સમિટના દિવસનો સૂર્યોદય જોયો. એ સોનેરી વાતાવરણ, બર્નિંગ હૉરાઇઝને મારું વિઝન ક્લિયર કરી દીધું છે કે મારે સાઉથ પોલ અને નૉર્થ પોલ સહિત દુનિયાના દરેક ખંડના ટૉલેસ્ટ પહાડો પરથી સનરાઇઝ જોવો છે.’

mumbai news mumbai kutchi community gujarati community news gujaratis of mumbai thane ladakh jain community