ભારતની સૌથી નાની વયની ફ્રેન્ચ ભાષાની શિક્ષિકા હોવાનો રેકૉર્ડ છે આ કચ્છી ગર્લના નામે

13 August, 2026 08:24 AM IST  |  Mumbai | Varsha Chitaliya

થાણેની ધરતી શિલ્પા પ્રકાશ બુરીચાએ માત્ર ૧૮ વર્ષ ૪ મહિના ૧૭ દિવસની ઉંમરે ફ્રેન્ચ ભાષા શીખવતી પોતાની ઍકૅડેમી શરૂ કરી હતી.

થાણેની ધરતી શિલ્પા પ્રકાશ બુરીચા

થાણેની ધરતી શિલ્પા પ્રકાશ બુરીચાએ માત્ર ૧૮ વર્ષ ૪ મહિના ૧૭ દિવસની ઉંમરે ફ્રેન્ચ ભાષા શીખવતી પોતાની ઍકૅડેમી શરૂ કરી હતી. ફ્રાન્સની માન્યતાપ્રાપ્ત FLE (Français Langue Étrangère) જેવી કપરી પરીક્ષા પાસ કરીને ધરતીએ પોતાની ઍકૅડેમી શરૂ કરી હતી. ધરતી અત્યારે ૨૪ વર્ષની છે, પણ ભારતની સૌથી નાની વયની સત્તાવાર ફ્રેન્ચ શિક્ષિકા બનવાનો રાષ્ટ્રીય રેકૉર્ડ તેના નામે તાજેતરમાં નોંધાયો છે અને રેકૉર્ડ્‌સનાં સર્ટિફિકેટ્સ તેને હવે મળ્યાં છે. 

રસ કઈ રીતે પડ્યો?
થાણેની સરસ્વતી એજ્યુકેશન સોસાયટી ઍન્ડ જુનિયર કૉલેજમાં આઠમા ધોરણમાં મેં ફ્રેન્ચ વિષય લીધો અને પહેલા પિરિયડથી જ મને એમાં રસ પડ્યો હતો એમ જણાવતાં ધરતી કહે છે, ‘ફ્રેન્ચ વિષયની પ્રથમ પરીક્ષામાં ફુલ માર્ક્સ આવતાં વધુ શીખવાનું મોટિવેશન મળ્યું. દસમા ધોરણમાં હતી ત્યારે નક્કી કરી લીધું કે ફ્રેન્ચની ટીચર બનવું છે. બાળપણથી મારામાં શિક્ષક બનવાના ગુણ ઠાંસી-ઠાંસીને ભર્યા હતા. ફ્રેન્ડ્સને કોઈ પણ વિષયમાં ડાઉટ હોય ત્યારે હું સારી રીતે સમજાવી શકતી. ફ્રેન્ચ ભાષામાં આગળ વધવાનું આ પણ એક કારણ હતું. કે. જે સોમૈયામાં જુનિયર કૉલેજમાં હતી ત્યારે જ Alliance Français de Bombay (ફ્રેન્ચની પરીક્ષાઓ આપવા માટેની વિશ્વની એકમાત્ર સંસ્થાની ચર્ચગેટમાં આવેલી શાખા)માંથી સર્ટિફિકેટ મેળવીને ૧૮ વર્ષ ૪ મહિના ૧૭ દિવસની ઉંમરે (૨૦૨૦માં) Fluent French નામની ઍકૅડેમીની સ્થાપના કરીને બાકાયદા ફ્રેન્ચ શીખવવાનું શરૂ કર્યું હતું જેની હવે નોંધ લેવાઈ છે. હાલમાં હું ૨૪ વર્ષની છું. વાસ્તવમાં ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‌સના વહીવટકારોએ મારું પેજ જોયું હતું. તેમને જાણવા મળ્યું કે હું ઘણા વખતથી ફ્રેન્ચ ભણાવું છું અને મેં નાની ઉંમરે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. ત્યાર બાદ તેમણે સામેથી મારો સંપર્ક કર્યો અને તમામ પ્રોસેસ પૂરી થયા પછી સર્ટિફિકેટ આપ્યું. આમ તો નાની ઉંમરના અનેક વિદ્યાર્થીઓ ઘરમેળે ફ્રેન્ચનાં ટ્યુશન્સ લેતા હોય છે, પણ રેકૉર્ડ માટેનો ક્રાઇટેરિયા એવો હતો કે પોતાની ઇન્સ્ટિટ્યૂટ હોવી જોઈએ.’

ટીચર બનવાની જર્ની
મૂળ કચ્છના મનફરા ગામની વાગડ સમાજની ધરતીએ વિલે પાર્લેની ઉષા પ્રવીણ ગાંધી કૉલેજમાંથી બૅચલર ઑફ માસ મીડિયા (BMM)નો અભ્યાસ કર્યો છે. સ્કૂલ-કૉલેજના અભ્યાસક્રમની સાથે તેણે ફ્રેન્ચની વિવિધ પરીક્ષાઓ આપવાનું ચાલુ રાખ્યું અને વિશ્વભરના લોકોને ફ્રેન્ચ શીખવતી ગઈ. ધરતી કહે છે, ‘દુબઈ, સિંગાપોર, અમેરિકા સહિત અનેક દેશોના લોકો મારા ઑનલાઇન વર્ગમાં ફ્રેન્ચ શીખતા હતા. વધુ ફૅકલ્ટીની જરૂરિયાત જણાતાં નિષ્ણાત શિક્ષકો હાયર કર્યા. ફાઇનલ યરની પરીક્ષા પૂરી થયાના બીજા જ દિવસે હું ફ્રાન્સ ઊપડી ગઈ. ત્યાંથી ફ્રેન્ચ ભાષા કઈ રીતે શીખવવી એની ૨૪૦ કલાકની સ્પેશ્યલ ટ્રેઇનિંગ લીધી. એનું સર્ટિફિકેટ મેળવીને પાછી ભારત આવી. આ સમયગાળામાં મારા પોતાના ઑનલાઇન ક્લાસિસની સાથે થાણેની યુનિવર્સલ હાઈ સ્કૂલમાં ફ્રેન્ચ શિિક્ષકા તરીકે નોકરી સ્વીકારી. હાલમાં Fluent Frenchના ઑનલાઇન વર્ગોની સાથે મુંબઈની પ્રથમ ડિજિટલ સ્કૂલ ધ ગ્રીન એકર્સ ઍકૅડેમીમાં આઠથી ૧૦ ગ્રેડના વિદ્યાર્થીઓને ફ્રેન્ચ શીખવું છું. ફ્રેન્ચની ટીચર તરીકેની મારી જર્ની, ડેડિકેશન અને ફ્રેન્ચ ભાષામાં શિક્ષણક્ષેત્રે નિપુણતાને ધ્યાનમાં લઈને ગયા વર્ષે મને મુંબઈના ફ્રેન્ચ લૅન્ગ્વેજ એજ્યુકેટર્સ ઍન્ડ એન્થુઝિએસ્ટ્સ અસોસિએશન (French Language Educators And Enthusiasts Association-FLEEA)ની પ્રમુખ ચૂંટવામાં આવી. નવેમ્બર ૨૦૨૫માં ફ્રેન્ચ ભાષાના પ્રસાર અને યોગદાન બદલ પ્રતિષ્ઠિત FLEEA લીડરશિપ અવૉર્ડ મળ્યો હતો.’

સ્પેશ્યલ કોર્સ
આજકાલ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જનારા વિદ્યાર્થીઓમાં અને વિદેશમાં નોકરી, બિઝનેસ અને ટ્રાવેલ માટે વિદેશી ભાષાઓ શીખવાનો ટ્રેન્ડ વધ્યો છે. ઍકૅડેમિક ઉપરાંત ધરતી બિઝનેસ ફ્રેન્ચ પણ શીખવે છે. વિદેશી ભાષા શીખવી એટલે સ્કૂલ-કૉલેજનું સિલેબસ ભણવું એવું નથી એમ જણાવતાં તે કહે છે, ‘ફ્રેન્ચ બોલતાં આવડતું હોય તો અનેક દેશોમાં રહેવું સરળ થઈ જાય છે. ફૉરેનની ટ્રિપ કરવાનો કે વિદેશી ફૂડ ટ્રાય કરવાનો શોખ હોય તો અ લા કાર્ટ કાર્ડ (સાદી ભાષામાં મેનુ કાર્ડ) રીડ કરીને ડિશના નામનો સાચો ઉચ્ચાર આવડવો જોઈએ. એનાથી તમારી ઇમેજ બદલાઈ જાય છે. હોટેલમાં રૂમ બુક કરવામાં સરળતા રહે છે. ફ્રેન્ચ ભાષા આવડતી હોય તો નોકરીના CVનું વેઇટેજ વધી જાય છે. બેઝિક ફ્રેન્ચ શીખવા માગતા હોય એવા સ્ટુડન્ટ્સ માટે બુક લખી છે. રેડી કન્ટેન્ટને લીધે તેમનો આત્મવિશ્વાસ વધે છે.’

ધરતી ઑનલાઇન ભણાવતી હોવાથી તેના ક્લાસ ઘરેથી ચાલે છે. તેની પાસે ચારથી ૪૦ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ છે. આખો દિવસ તેને ફ્રેન્ચમાં બોલતી જોઈને પેરન્ટ્સ અને મોટા ભાઈને પણ ઘણા શબ્દો આવડી ગયા છે. તેને નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાનું અને નવું શીખવાનું ગમે છે. કામકાજમાંથી બ્રેક લઈને તે પોતાનો ફરવાનો શોખ પૂરો કરી લે છે.

mumbai news mumbai thane gujaratis of mumbai gujarati community news kutchi community