01 May, 2026 10:54 AM IST | Thane | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
થાણે જિલ્લામાં પોલીસ ડિપાર્ટમેન્ટના સ્નિફર ડૉગે હત્યાનો કેસ ઉકેલવામાં મદદ કરતાં મુંબઈથી રીઢા ગુનેગારની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી.
૪૦ વર્ષના યોગેશ રાણેએ આ મહિનાની શરૂઆતમાં તેના મિત્ર ૪૯ વર્ષના રાજેશ પ્રભુલકરને આપેલા પૈસા બાબતે વિવાદ થતાં તેની હત્યા કરી હતી. પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘૨૧ એપ્રિલે ખડવલીમાં ભાત્સા નદી પાસે એક પુરુષનું માથું અને ચહેરો કચડાયેલો મૃતદેહ મળી આવ્યો હતો જેના પગલે પોલીસે અજાણી વ્યક્તિ સામે હત્યાના આરોપસર કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
ડૉગ-સ્ક્વૉડનો સ્નિફર-ડૉગ બેઇલી મૃતદેહ નજીક મળેલી વસ્તુના આધારે પોલીસને ખડવલી રેલવે-સ્ટેશન તરફ દોરી ગયો હતો. ત્યાર બાદ પોલીસે ખડવલીથી મુંબઈ સુધીનાં ૧૦૦થી ૧૫૦ જેટલાં CCTV કૅમેરાનાં ફુટેજની ચેક કરીને ૮૦ ગુમ થયેલી વ્યક્તિઓના રેકૉર્ડ તપાસ્યા હતા.
વિશ્લેષણના આધારે પોલીસે યોગેશ રાણેને શંકાસ્પદ વ્યક્તિ તરીકે શોધી કાઢ્યો હતો. તે મુંબઈમાં ફરતો રહેતો અને ઓળખ ટાળવા માટે હંમેશાં ટોપી પહેરતો હતો. તે દાદર, ભાયખલા અને લોઅર પરેલ જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં વારંવાર રસ્તા બદલતો હતો એવું તપાસમાં જણાયું હતું. આખરે આરોપી યોગેશ રાણેને મંગળવારે લોઅર પરેલથી પકડવામાં આવ્યો હતો.’
પોલીસે જણાવ્યું હતું કે જેની હત્યા થઈ એ રાજેશ પ્રભુલકર અને આરોપી યોગેશ રાણે બન્ને મિત્રો હતા અને એક કેટરિંગ એજન્સીમાં કામ કરતા હતા. ૨૦ એપ્રિલે તેઓ ભાત્સા નદી પાસે નાહવા ગયા હતા. એ દરમ્યાન આરોપીએ મિત્રને પૈસા આપ્યા હતા એ સંદર્ભે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી યોગેશે રાજેશની પથ્થર મારીને હત્યા કરી હતી. તેની ઓળખ ન થઈ શકે એ માટે રાજેશનું માથું અને ચહેરો પથ્થર વડે છૂંદીને વિકૃત કરી નાખ્યું હતું. આરોપીનો આ પહેલાંનો પણ ક્રિમિનલ રેકૉર્ડ છે. સોમવારે મુંબઈમાં તેની સામે મોબાઇલ ફોન ચોરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. અગાઉ રાયગડ અને મુંબઈમાં તેની સામે હત્યા અને હત્યાના પ્રયાસના આરોપસર કેસ નોંધાયો હતો.’