06 November, 2026 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભાઈંદરમાં ગેરકાયદે ચલાવવામાં આવતી દારૂની ભઠ્ઠીમાં સિલિન્ડર-બ્લાસ્ટ થવાને પગલે એક જણનું મૃત્યુ થયું હોવાની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવતાં વધુ માહિતી સામે આવી રહી છે. આ ઘટનાની વધુ વિગતો પોલીસ પાસે ન પહોંચે એ માટે સંડોવાયેલા આરોપીઓએ એક યુવતીને બાળી નાખી હોવાનું તપાસ દરમ્યાન જાણવા મળ્યું હોવાનું પોલીસ-અધિકારીઓએ જણાવ્યું હતું.
સરકારી જમીન પર સેબૅસ્ટિયન મેન્ડોસા અને તેના ભાઈ સંદીપ મેન્ડોસા અને રિતુ ચૌધરી દ્વારા આ ગેરકાયદે દારૂની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી હતી. જોકે આ દરમ્યાન ગૅસ-સિલિન્ડર ફાટતાં રિતુનું મૃત્યુ થયું હતું. આરોપીઓએ પોતાના ગોરખધંધા પોલીસ સમક્ષ ન આવે એ માટે રિતુની ડેડ-બૉડી તેમના એક વર્કરના ઘરે જઈને ડીઝલથી બાળી નાખી હતી.
આ ઘટનામાં બન્ને આરોપીઓને પણ ઈજા થઈ હતી અને તેમના શરીરે બળવાનાં નિશાનો મળી આવ્યાં હોવાનું ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ રિતુનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આખી ઘટનાને ઢાંકી નાખવા માટે સેબૅસ્ટિયનની પત્નીએ ખોટી સાક્ષી પુરાવી હતી અને જમવાનું બનાવતી વખતે સિલિન્ડર ફાટતાં આખી ઘટના બની હોવાની જુબાની આપી હતી. જોકે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવતાં આખી ઘટના સામે આવી હતી.