25 December, 2025 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિંદેસેનાના સ્ટાર પ્રચારકોમાં ગોવિંદા
રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને થાણે જેમનો ગઢ ગણાય છે એવા શિવસેનાના નેતા એકનાથ શિંદેને મહાયુતિના સાથી-પક્ષો અને ખાસ તો BJPના મહારાષ્ટ્રના અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણ સાથે મંગળવારે રાતે થયેલી મૅરથૉન ચર્ચાને અંતે બેઠકોનું કોકડું ઉકેલવામાં કેટલાક અંશે સફળતા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એમાં શિવસેનાને ૮૧ બેઠક, BJPને ૪૫ અને સાથી-પક્ષોને પાંચ બેઠકો આપવા સહમતી સધાઈ હોવાનું કહેવાઈ રહ્યું હતું. જોકે મહાયુતિએ મોડી રાત સુધી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નહોતી. BJP તરફથી પંચાવન બેઠકોની માગણી કરવામાં આવી હતી, પણ શિવસેનાએ ૪૫ની જ તૈયારી દાખવી હતી. ૨૦૧૭માં અનડિવાઇડેડ શિવસેનાને ૬૭, અનડિવાઇડેડ NCPને ૩૪ જ્યારે BJPને ૨૩ બેઠક પર વિજય મળ્યો હતો. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમા BJPએ પોતાની સ્થિતિ મજબૂત કરી છે. એથી જ શિવસેના અને BJP વચ્ચે બેઠકો માટે ખેંચતાણ ચાલી રહી હતી.
શિંદેસેનાના ૪૦ સ્ટાર પ્રચારકોમાં ગોવિંદાનો સમાવેશ
એકનાથ શિંદેની શિવસેનાએ ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી છે જેમાં એકનાથ શિંદે સહિત રામદાસ કદમ, ગજાનન કીર્તિકર, આનંદરાવ અડસૂળ, નીલમ ગોર્હે, અભિનેતા ગોવિંદાથી લઈને રાજ્યસભાના સભ્ય મિલિંદ દેવરા અને ભૂતપૂર્વ સંસદસભ્ય સંજય નિરુપમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એ ઉપરાંત સ્ટાર પ્રચારકોની યાદીમાં સંસદસભ્યો, વિધાનસભ્યો, પાર્ટીના પ્રવક્તા અને અન્ય કેટલાક વરિષ્ઠ પદાધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.