29 April, 2026 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
TMCના એન્ક્રોચમેન્ટ વિભાગના ડેપ્યુટી કમિશનર ઉમેશ બિરારી
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના એન્ક્રોચમેન્ટ વિભાગના ડેપ્યુટી કમિશનર ઉમેશ બિરારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જમીનસંપાદન પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ વહીવટી તંત્રએ આ ધાક બેસાડતી કાર્યવાહી કરી છે.
બોરીવલી તાલુકાના પ્લૉટ-નંબર ૪૫૫થી ૪૫૮ના સંપાદન દરમ્યાન બજારભાવને બદલે ફ્લૅટના વેચાણની કિંમત પર વળતર નક્કી કરવામાં આવ્યું હતું. આ ગેરકાયદે પદ્ધતિને કારણે જમીનનું મૂલ્ય અવાસ્તવિક રીતે વધારે દર્શાવવામાં આવ્યું હતું.
જમીન માટે જે કાયદેસરની કપાત કરવાની હોય છે એ પણ ટાળવામાં આવી હતી. અમુક લાભાર્થીઓને આર્થિક ફાયદો પહોંચાડવા માટે આ પ્રક્રિયા કરવામાં આવી હતી, જેનાથી સરકારને મોટું નાણાકીય નુકસાન થયું છે.
આ ઉપરાંત શીળફાટા વિસ્તારમાં વધી રહેલાં ગેરકાયદે બાંધકામો સામે સમયસર પગલાં ન ભરવા બદલ પણ ઉમેશ બિરારી શંકાના દાયરામાં છે. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે. શિસ્તભંગની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉમેશ બિરારી સસ્પેન્ડેડ રહેશે.