15 November, 2025 03:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
થાણે અને ભિવંડી વચ્ચે વાહનવ્યવહારને સરળ બનાવવા માટે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) થાણેના કોલશેતને ભિવંડીના કાલ્હેર સાથે જોડવા માટે વસઈ ખાડી પર ૬ લેનનો પુલ બનાવવાની યોજના બનાવી રહી છે.
૨.૨ કિલોમીટર લાંબા આ પુલનો અંદાજે ખર્ચ ૪૩૦ કરોડ રૂપિયા છે. પુલ બની જતાં થાણે અને ભિવંડી વચ્ચે મુસાફરીનો સમય લગભગ ૪૫ મિનિટથી ઘટીને માત્ર પાંચથી સાત મિનિટનો થઈ જશે. MMRDAએ ગુરુવારે આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યાં છે અને ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થવાની અપેક્ષા છે.
આ પુલ ઔદ્યોગિક કેન્દ્ર ભિવંડીની કનેક્ટિવિટી સુધારવાના પ્રયાસનો એક ભાગ છે. અહીં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કૉરિડોરનું એક સ્ટેશન પણ બનશે. કોલશેતથી કાલ્હેર પહોંચવા માટે અત્યારે બાળકુમ નાકા અને જૂના કશેળી પુલના માર્ગે લાંબી સફર ખેડવી પડે છે. MMDRAએ ભિવંડી નોટિફાઇડ સરાઉન્ડિંગ એરિયા (BNSA)નો પણ પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં ટેક્સટાઇલ-કમ-ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને મલ્ટી-મૉડલ કૉરિડોર જેવા પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સનો સમાવેશ છે.