સ્કૂલ-બસમાં ડૅશકૅમ અને બ્રેથ-ઍનલાઇઝર ફરજિયાત

26 February, 2026 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બેઠકમાં લેવાયેલા સૌથી ક્રાન્તિકારી નિર્ણય મુજબ હવે દરેક સ્કૂલ-બસના આગળના ભાગમાં ડૅશકૅમ એટલે કે ડૅશબોર્ડ પરના કૅમેરા લગાવવા ફરજિયાત કરવામાં આવ્યું છે.

થાણે ટ્રાફિક હેડ ઑફિસમાં યોજાયેલી બેઠક.

થાણેમાં સ્કૂલમાં જતા હજારો વિદ્યાર્થીઓના પ્રવાસને વધુ સુરક્ષિત અને જોખમમુક્ત બનાવવા માટે થાણે જિલ્લા કક્ષાની સ્કૂલ બસ સુરક્ષા સમિતિએ કમર કસી છે. મંગળવારે થાણે ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) પંકજ શિરસાટના અધ્યક્ષસ્થાને થાણે ટ્રાફિક હેડ ઑફિસમાં યોજાયેલી બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સ્કૂલ-બસોના અકસ્માતો અટકાવવાનો અને ડ્રાઇવરોની કામગીરી પર સતત દેખરેખ રાખવાનો છે. થાણેના ટ્રાફિક વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય રહેશે. આ બેઠકમાં રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ના અધિકારીઓ અને થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના શિક્ષણ-અધિકારીઓ પણ હાજર રહ્યા હતા જેમણે સંયુક્ત રીતે આ સુરક્ષા કવચને મજબૂત કરવાની ખાતરી આપી હતી.

આ બેઠકમાં લેવાયેલા સૌથી ક્રાન્તિકારી નિર્ણય મુજબ હવે દરેક સ્કૂલ-બસના આગળના ભાગમાં ડૅશકૅમ એટલે કે ડૅશબોર્ડ પરના કૅમેરા લગાવવા ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કૅમેરાની મદદથી વાહનની આગળની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે જેનાથી માત્ર ડ્રાઇવરની કાર્યક્ષમતા જ નહીં પરંતુ અકસ્માત કે ટ્રાફિકના નિયમોના ભંગના કિસ્સામાં ભૂલ કોની છે એ પણ સ્પષ્ટ થઈ શકશે એમ જણાવતાં થાણે ટ્રાફિક DCP પંકજ શિરસાટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રાફિક જૅમની સમસ્યાને નિવારવા માટે સ્કૂલ શરૂ થવાના અને છૂટવાના સમયના અડધા કલાક પહેલાં જ બસોએ નિર્ધારિત સ્થળે પહોંચી જવું જોઈએ જેથી રસ્તા પર અવરોધ ન સર્જાય અને વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે બસમાં ચડી કે ઊતરી શકે. વિદ્યાર્થીઓની સુરક્ષા માત્ર ટેક્નૉલૉજી પર નિર્ભર નથી એ બાબતને ધ્યાનમાં રાખીને ડ્રાઇવરો અને ક્લીનર માટે ખાસ રોડ-સેફ્ટી ટ્રેઇનિંગ લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. શિક્ષિત અને તાલીમબદ્ધ સ્ટાફ અકસ્માતની શક્યતાઓને શૂન્ય કરી શકે છે. વધુમાં નશામાં ધુત ડ્રાઇવિંગ રોકવા માટે દરેક બસમાં બ્રેથ-ઍનૅલાઇઝર મશીન દ્વારા દરરોજ તપાસ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. CNG પર ચાલતી બસો માટે પણ કડક નિયમ બનાવવામાં આવ્યો છે જે અંતર્ગત ગૅસ ટૅન્કની દર ત્રણ વર્ષે અનિવાર્ય તપાસ કરાવવી પડશે.’

mumbai news mumbai thane thane municipal corporation mumbai traffic mumbai traffic police