24 April, 2025 07:20 AM IST | Thane | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેના કેટલાક ભાગોમાં પાણી પુરવઠાને અસર પહોંચવાની (Thane Water Supply) છે તેવા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક મહત્વના મેઇન્ટેનન્સ કામ હાથ ધરવામાં આવવાના હોવાને લીધે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કેટલાક વિસ્તારમાં 24 કલાક સુધી પાણી પુરવઠો પ્રભાવિત થવાનો છે એમ સિવિક બોડીએ બુધવારે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું.
શેના માટે આ અસર પહોંચી શકે છે?
આ મુદ્દે જો વિગતવાર વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (MIDC) દ્વારા સંચાલિત જંભુલ જળ શુદ્ધિકરણ પ્લાન્ટને લઈને કેટલાક મેઇન્ટેનન્સ કામ હાથ ધરવામાં આવનાર છે. આ કામકાજને કારણે જ આસપાસના રહેવાસીઓને 24 કલાક સુધી પાણી પુરવઠો નહીં મળી રહે.
આ જે મહત્વના રીપેર અને મેઇન્ટેનન્સ કામકાજ છે (Thane Water Supply) તે ગુરુવાર એટલે કે આજે 24 એપ્રિલ 2025ના રોજ મોડી રાત્રે 12:00થી શરૂ થઈને આવતીકાલે એટલે કે શુક્રવાર, 25 એપ્રિલ 2025ના રોજ મધ્યરાત્રિ 12:00 સુધી હાથ ધરવામાં આવશે. અધિકારીઓએ આ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી) હેઠળના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરો પાડવામાં નહીં આવે. તેની સર્વ રહેવાસીઓએ નોંધ લેવી.
આ વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર પહોંચી શકે છે:
દિવા, મુંબ્રા (વોર્ડ નં. 26 અને 31) કલવા વોર્ડ-વર્તક નગરના તમામ વિસ્તારો- રૂપદેવી પાડા, કિસાન નગર નં. 2, નહેરુ નગર, માજીવાડા અને મનપાડા વોર્ડ હેઠળ-કોલસીટ ખાલસા ગામ જેવા એરિયામાં પાણી પુરવઠાને અસર થશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને (Thane Water Supply) એવી પણ ચેતવણી આપી હતી કે પાણી પુરવઠો ફરી શરૂ બાદ પણ 1થી 2 દિવસ સુધી પાણી ઓછા પ્રેશર સાથે સપ્લાય કરવામાં આવશે. આ ઉપરાંત અધિકારીએ કહ્યું કે, "નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરે અને મેઇન્ટેનન્સ કામકાજના સમયગાળા દરમિયાન વહીવટીતંત્રને સહકાર આપે.
મુંબઈના પૂર્વીય પરા વિસ્તારમાં આ સપ્તાહના અંતે પાણી કાપ લાદવામાં આવી શકે!
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા બુધવારે જણાવાયું હતું કે મુંબઈમાં પૂર્વીય ઉપનગરોના કેટલાક વિસ્તારમાં શનિવારે પાણી પુરવઠામાં વિક્ષેપનો સામનો કરવો પડશ. ઘાટકોપર (પશ્ચિમ)માં પાણી પુરવઠાના વિવિધ કાર્યો થવા જય રહ્યા હોવાથી આ હાલાકી થઈ શકે છે. આ તમામ કામ શનિવારે સવારે 10 વાગ્યાથી 24 કલાકના સમયગાળા માટે હાથ ધરવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન એન અને એલ વોર્ડના કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો સ્થગિત (Thane Water Supply) કરવામાં આવશે. મુંબઈ સિવિક બોડીએ અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને પાણીનો ઓછો ઉપયોગ કરવા અને આ સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ વહીવટીતંત્રને સહકાર આપવા વિનંતી કરી છે.