06 September, 2026 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રસ્તા પર બનાવેલું સ્ટેજ, સુવર્ણા ડોંગરે
થાણેના શાસ્ત્રીનગરમાં જન્મદિવસની ઉજવણી માટે બાંધવામાં આવેલા સ્ટેજ માટે ગેરકાયદે લીધેલા વીજળીના વાયરમાં કરન્ટ લાગતાં બુધવારે રાત્રે ૬૬ વર્ષનાં સુવર્ણા ડોંગરેનું મૃત્યુ થવાની ઘટના સામે આવી છે. આ મામલે વર્તકનગર પોલીસે જન્મદિવસની ઉજવણી માટે સ્ટેજ બાંધનાર બર્થ-ડે બૉય હર્ષલ ચૌધરી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ અનુસાર હર્ષલ ચૌધરીએ પોતાના જન્મદિવસની ઉજવણી કરવા માટે જાહેર રસ્તા પર સ્ટેજ બાંધ્યું હતું. આ સ્ટેજ પર વીજપુરવઠા માટે તેણે કોઈ પણ પરવાનગી કે સુરક્ષાના નિયમોનું પાલન કર્યા વગર સ્ટ્રીટલાઇટના થાંભલામાંથી ગેરકાયદે રીતે વાયર નાખીને વીજળીની ચોરી કરી હતી. આ બેદરકારીને કારણે રસ્તા પરથી પસાર થતાં વૃદ્ધાનું કરન્ટ લાગવાથી મૃત્યુ થયું હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
વર્તકનગરના શાસ્ત્રીનગરમાં ગેરકાયદે વીજ-વાયરના કરન્ટથી મૃત્યુ પામેલાં સુવર્ણા ડોંગરેના પુત્ર આનંદે ‘મિડ-ડે’ સમક્ષ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘બુધવારે રાત્રે સાડાઅગિયાર વાગ્યે શાસ્ત્રીનગરના બસ-સ્ટૉપ-નંબર ૮ પાસેથી ઘરે આવી રહેલી મારી મમ્મીનો પગ ગેરકાયદે રીતે નાખવામાં આવેલા ખુલ્લા વાયર પર પડી ગયો હતો. વીજળીનો સખત આંચકો લાગતાં તેઓ ઘટનાસ્થળે જ બેભાન થઈને ઢળી પડ્યાં હતાં. સ્થાનિકો તેમને તરત જ હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, પરંતુ ઇલાજ દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. આ ગેરકાયદે જન્મદિવસની ઉજવણીને કારણે જ મારી માતાનો જીવ ગયો છે એટલે મારી પોલીસ પાસે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી છે.’
પોલીસ શું કહે છે?
વર્તકનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જન્મદિનની ઉજવણી માટે બેદરકારીપૂર્વક વાયર નાખીને વીજચોરી કરનાર અને વૃદ્ધાના મોતનું કારણ બનનાર
બર્થ-ડે બૉય હર્ષલ ચૌધરી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેજ બાંધનાર ડેકોરેટરની પણ તપાસ રરવામાં આવી રહી છે.’