એકસાથે ૫૯ મુમુક્ષુઓનું દીક્ષામુહૂર્ત નીકળ્યું

24 November, 2025 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોથીથી આઠમી ફેબ્રુઆરી દરમ્યાન આચાર્ય વિજયયોગતિલકસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્ય બનશે : બોરીવલીમાં થશે સામૂહિક દીક્ષાનું ભવ્ય આયોજન : મુમુક્ષુઓમાં ૧૮ પુરુષો અને ૪૧ મહિલાઓ : ૨૧ મુમુક્ષુ મુંબઈના

ગઈ કાલે મુમુક્ષુઓએ દીક્ષામુહૂર્ત પ્રસંગે સાથે મળીને ફોટો પડાવ્યો હતો.

અધ્યાત્મ પરિવાર દ્વારા ગઈ કાલે ચોપાટીના પંચશીલ પ્લાઝામાં ૫૯ જૈન મુમુક્ષુની સામૂહિક દીક્ષાના મુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિવારના હિતેશ મોતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ બધા જ મુમુક્ષુ આચાર્ય વિજયયોગતિલકસૂરીશ્વરજી મહારાજસાહેબનાં પ્રવચનો અને આધ્યા​ત્મિક માર્ગદર્શનથી પ્રેરાઈને સાંસારિક જીવનનો ત્યાગ કરીને સાધુ-જીવન અપનાવવા જઈ રહ્યા છે. તેમની સામૂહિક દીક્ષાનું મુહૂર્ત ચારથી ૮ ફેબ્રુઆરી નીકળ્યું છે અને બોરીવલીમાં આ સામૂહિક દીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવશે.’

આ મુમુક્ષુમાં ૧૮ પુરુષ અને ૪૧ મહિલાનો સમાવેશ થાય છે. એમાંથી મુંબઈના ૨૧ મુમુક્ષુ દીક્ષા લેવાના છે. એ ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, તામિલનાડુ અને અમેરિકામાંથી પણ કેટલાક સંસારી જીવન છોડીને સાધુમાર્ગે જવાના છે. એમાં ૧૫ જેટલા યુવાનો તો ઉચ્ચ શિક્ષિત છે અને તેઓ સાધુમાર્ગ અપનાવી રહ્યા છે. સૌથી નાની મુમુક્ષુ ૭ વર્ષની બાળકી છે જ્યારે સૌથી મોટી ઉંમરના મુમુક્ષુ ૭૦ વર્ષના ગૃહસ્થ છે. 

આચાર્ય વિજયયોગતિલકસૂરીશ્વરજી મહારાજસાહેબનાં પ્રવચનો અને આધ્યા​ત્મિક માર્ગદર્શનથી પ્રેરાઈને અત્યાર સુધીમાં ૩૫૦ લોકોએ દીક્ષા લીધી છે એમ જણાવતાં હિતેશ મોતાએ વધુમાં કહ્યું હતું કે ‘ગઈ કાલના મૂહૂર્ત પ્રસંગે મહારાજસાહેબે કહ્યું હતું કે ઉત્તમમાં ઉત્તમ જીવન એટલે ભગવાને બતાવેલું સાધુજીવન જ છે. સાચો માર્ગ તો સાધુધર્મ જ છે. જ્યાં કોઈ દુઃખ નથી, કોઈ રાગ નથી, દ્વેષ નથી, કાંઈ નથી. એ જીવન એટલે સાધુજીવન. જીવનમાં કોઈ અપેક્ષા ન રાખે એ સૌથી મહત્ત્વનું છે અને એ જ સૌથી સુખી માણસ કહેવાય. જો અપેક્ષા હોય તો સમસ્યા છે, પણ અપેક્ષા જ ન રાખીએ તો કોઈ સમસ્યા રહેતી જ નથી. અપેક્ષાનો અંત એટલે જ સાધુજીવન.’ 

mumbai news mumbai jain community gujaratis of mumbai gujarati community news culture news chowpatty