જીવલેણ રેલરોકો

07 November, 2025 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રેનો ખોરવાઈ ગઈ એટલે પાટાઓ પર ચાલતા નીકળેલા લોકોમાંથી પાંચ જણને સામેથી આવતી ટ્રેને અડફેટે લીધા, એમાંથી બે પ્રવાસીઓનાં મોત

ગઈ કાલે સેન્ટ્રલ રેલવે મઝદૂર સંઘે CSMT પર કરેલા આંદોલનને લીધે ટ્રેનો ખોરવાઈ ગઈ એને પગલે પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. તસવીર : આશિષ રાજે.

મુંબ્રામાં પાંચ જણનો જીવ લેનારી ટ્રૅજેડી માટે જવાબદાર ઠેરવાયેલા પોતાના એન્જિનિયરોને બચાવવા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર અચાનક પીક અવર્સમાં સેન્ટ્રલ રેલવે મઝદૂર સંઘે કરેલું આંદોલન કાતિલ નીવડ્યું

નિર્દોષ આદમી કે ખિલાફ દર્ઝ FIR વાપસ લો, GRP કી તાનાશાહી બંદ કરો- આવા સૂત્રોચ્ચાર સાથે સેન્ટ્રલ રેલવે મઝદૂર સંઘે ટ્રેનો અટકાવી દીધી : બે આરોપી એન્જિનિયરો સામે ગંભીર કાર્યવાહી નહીં થાય એવું ડિવિઝનલ રેલવે મૅનેજરે આશ્વાસન આપ્યું એ પછી આંદોલન સમેટાયું

પોતાના એન્જિનિયરોના બચાવમાં ગઈ કાલે સાંજે ૫.૫૦ વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર સેન્ટ્રલ રેલવે મઝદૂર સંઘે ઓચિંતું રેલરોકો આંદોલન કરી દેતાં ૫૦ મિનિટ સુધી ટ્રેનો અટકી ગઈ હતી. એ પછી ૬.૪૦ વાગ્યે ફરી ટ્રેનો CSMTથી થાણેની દિશામાં દોડી હતી. ટ્રેનો અટકી પડતાં સાંજના પીક અવર્સમાં મોટા ભાગનાં સ્ટેશનોએ સખત ગિરદી થઈ હતી. સખત ગિરદી અને ટ્રેનો આવતી ન હોવાથી ઘણા પ્રવાસીઓ ટ્રેનના પાટા પર ચાલતા નીકળી પડ્યા હતા. એ વખતે સૅન્ડહર્સ્ટ રોડ પાસે સામેથી અંબરનાથથી CSMT જઈ રહેલી ફાસ્ટ ટ્રેન તેમનામાંના પાંચ જણ પર ફરી વળતાં એમાંથી બે જણનાં મોત થયાં હતાં. ઘાયલોને તરત જેજે હૉસ્પિટલ લઈ જવાયા હતા, પણ ડૉક્ટરે તપાસીને એક અજાણ્યા યુવક અને ૧૯ વર્ષની હેલી મોમાયાને મૃત્યુ પામેલાં જાહેર કર્યાં હતાં. અન્ય ૩ પ્રવાસીઓ બાવીસ વર્ષનો કૈફ ચૌગુલે, યાફિઝા ચૌગુલે અને ૪૫ વર્ષની ખુશ્બૂ મોમાયાને સારવાર આપવામાં આવી હતી.       

ગઈ કાલે ટ્રેનો અટકી ગઈ હોવાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર અંધાધૂંધી છવાઈ ગઈ હતી. તસવીર : આશિષ રાજે.

મુંબ્રા ટ્રેન ટ્રૅજેડીમાં પાંચ વ્યક્તિનાં મોત થયાં હતાં. એ ઘટનાની તપાસમાં સેન્ટ્રલ રેલવેના બે એન્જિનિયરોની બેદરકારી હોવાનું બહાર આવતાં એ બે એન્જિનિયરો સામે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરીને તપાસ શરૂ કરી એથી એન્જિનિયરો સામેનો FIR પડતો મૂકવામાં આવે એવી માગણી સાથે ગઈ કાલે સાંજે ૫.૫૦ વાગ્યે CSMT પર સેંકડોની સંખ્યામાં રેલવે-કર્મચારીઓએ વિરોધ-પ્રદર્શન કરીને ટ્રેનો અટકાવી દીધી હતી. સાંજના પીક અવર્સમાં ટ્રેનો રોકી દેવાતાં સેન્ટ્રલ રેલવેનું ટાઇમ-ટેબલ ખોરવાઈ ગયું હતું. રેલવે-કર્મચારીઓ મોટા અવાજે નારાબાજી કરી રહ્યા હતા. તેમણે હાથમાં પ્લૅકાર્ડ રાખ્યાં હતાં જેમાં લખાયું હતું, ‘નિર્દોષ આદમી કે ખિલાફ દર્ઝ FIR વાપસ લો, GRP કી તાનાશાહી બંદ કરો.’ બહુ મોટી સંખ્યામાં રેલવે-કર્મચારીઓ આંદોલન પર ઊતરી જતાં CSMT પર હજારોની સંખ્યામાં પૅસેન્જરો અટવાઈ ગયા હતા. એમાં ઘણા પ્રવાસીઓએ કંટાળીને આગલા સ્ટેશન સુધી પહોંચવા ટ્રૅક પર ઊતરીને ચાલવા માંડ્યું હતું.

AC ટ્રેન ખુલ્લા દરવાજે દોડાવવી પડી

ટ્રેનો અટકી જતાં સેન્ટ્રલ રેલવેનાં અન્ય મહત્ત્વનાં સ્ટેશનો દાદર, કુર્લા, ઘાટકોપર, થાણે પર સખત ભીડ થઈ ગઈ હતી. એર-કન્ડિશન્ડ (AC) ટ્રેનમાં લોકોએ ધસારો કર્યો હતો અને લોકો એમાં જ ચડી ગયા હતા. ભીડને કારણે લોકો દરવાજા પર લટકતા હતા એથી AC ટ્રેનના દરવાજા બંધ નહોતા થઈ શક્યા. પોલીસે લોકોને રિક્વેસ્ટ કરી પણ લોકો ટ્રેન છોડવા તૈયાર ન હોવાથી આખરે AC ટ્રેન દરવાજા બંધ કર્યા વગર જ જવા દેવી પડી હતી. થાણે તરફ જતી ટ્રેનોમાં ચડવા માગતા પૅસેન્જર્સની ભીડ એટલી વધી ગઈ હતી કે ઘણી ટ્રેનો દાદર-કુર્લાજ્ઞાં શૉર્ટ ટર્મિનેટ કરીને થાણેની તરફ વાળવામાં આવી હતી.   

આંદોલનની અસર

સેન્ટ્રલ રેલવે મઝદૂર સંઘે તેમના બે એન્જિનિયર સામે નોંધાયેલા FIRના વિરોધમાં કરાયેલા આંદોલન બાબતે મુંબઈ ડિવિઝનના સંઘના સેક્રેટરી સંજીવકુમાર દુબેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ આંદોલન બાબતે ઑલરેડી જાણ કરવામાં આવી હતી. અમારા પ્રેસિડન્ટ ડિવિઝનલ રેલવે મૅનેજર સાથે આ બાબતે ચર્ચા કરી હતી. ત્યારે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે એ એન્જિનિયરો સામે ગંભીર કાર્યવાહી નહીં થાય. એ આશ્વાસન મળ્યા બાદ અમે અમારું આંદોલન સમેટી લીધું હતું અને સાંજે ૬.૪૦ વાગ્યે આંદોલન બાદ CSMTથી પહેલી ટ્રેન રવાના થઈ હતી.’

આ રીતના આંદોલનને વખોડી કાઢવું જોઈએ

મુંબઈ રેલ પ્રવાસી સંઘના સિદ્ધેશ દેસાઈએ આ આંદોલન બાબતે કહ્યું હતું કે ‘રેલવે યુનિયનના સભ્યો દ્વારા સ્ટેશન પર ટ્રેન રોકીને કરાયેલા આ આંદોલનને કારણે પીક અવર્સમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. આ રીતનું વિરોધ-પ્રદર્શન ચલાવી ન લેવાય. આને કારણે જરૂરી સેવાઓ પર તો અસર પડી જ હતી, સાથે હજારો પ્રવાસીઓની સુરક્ષાનો મુદ્દો પણ એરણે ચડ્યો હતો. મુંબઈ રેલ પ્રવાસી સંઘ રેલવેના કર્મચારીઓ દ્વારા કરાયેલા આ ગેરકાયદે અને અસંવેદનશીલ આંદોલન અને રેલવેના ઍડ્મિનિસ્ટ્રેશનના આવા વલણને વખોડી કાઢે છે.’

મોટરમેનોએ આંદોલનમાં ભાગ નહોતો લીધો તોય અટવાયા

સેન્ટ્રલ રેલવે દ્વારા એવું કહેવાયું હતું કે ગઈ કાલના એ આંદોલનમાં મોટરમેનોએ ભાગ નહોતો લીધો, પણ વિરોધ-પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ એટલી મોટી સંખ્યામાં ત્યાં ભેગા થઈ ગયા હતા કે મોટરમૅન તેમની રૂમમાંથી બહાર જ નીકળી શક્યા નહોતા, એથી ટ્રેનો છોડી શકાઈ નહોતી.

ટ્રેનમાં અટવાયેલા પ્રવાસીઓની હાલત કફોડી

CSMT પર ટ્રેનો અટકી જતાં એ તરફ જનારી ઘણી ટ્રેનો બે સ્ટેશન વચ્ચે ટ્રૅક પર એકની પાછળ એક અટકી ગઈ હતી. એક કલાક સુધી ટ્રેનો અટકી હોવા છતાં ટ્રેનમાં રહેલા પૅસેન્જરોને રેલવે તરફથી કોઈ જ જાણ કરવામાં નહોતી આવી કે કોઈ અનાઉન્સમેન્ટ નહોતી થઈ એટલું જ નહીં, સ્ટેશનો પર પણ કોઈ અનાઉન્સમેન્ટ કરવામાં આવી નહોતી એટલે શા માટે ટ્રેનો અટકી છે એની કોઈ જ જાણ કરવામાં ન આવતાં પ્રવાસીઓની હાલત કફોડી બની હતી.

mumbai news mumbai chhatrapati shivaji maharaj terminus csmt mumbai local train train accident mumbra indian railways mumbai police maharashtra government maharashtra news