26 October, 2025 08:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવસેના (UBT)ના કાર્યકરો દ્વારા લગાવવામાં આવેલા બૅનરથી રાજકીય વાતાવરણ ફરી એક વાર ગરમ થયું હોવાનું જોવા મળ્યું હતું
રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે ગઈ કાલે થાણેના તીનહાથ નાકા પર શિવસેના (UBT)ના કાર્યકરો દ્વારા લગાવવામાં આવેલા બૅનરથી રાજકીય વાતાવરણ ફરી એક વાર ગરમ થયું હોવાનું જોવા મળ્યું હતું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને શિવસેના (UBT)ના નેતાઓ સતત સરકાર અને સરકારમાં રહેતા પ્રધાનોની ટીકા કરી રહ્યા છે ત્યારે તીનહાથ નાકા પર લગાડેલા બૅનરમાં ‘યે ડર અચ્છા લગા...’ એવું મોટા શબ્દોમાં લખીને ‘ઈ.ડી., સી.બી.આય., ચુનાવ આયોગ... ફૌજ તો તેરી સારી હૈ; પર ઝંજીર મેં જકડા રાજા મેરા અબ ભી સબ પર ભારી હૈ’ લખીને આડકતરી રીતે શિંદેસેના અને સાથેના શાસક પક્ષો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.
આ બૅનર શિવસેના (UBT)ના કાર્યકર તુષાર રસાળ દ્વારા લગાવવામાં આવ્યું હતું જેમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને સંસદસભ્ય નરેશ મ્હસ્કેનાં નિવેદનોનો ઉલ્લેખ કરીને શાસક પક્ષની ટીકા કરવામાં આવી હતી. બૅનરમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવેદનનો ઉલ્લેખ છે કે ‘અમે ત્યાં ગઠબંધન બનાવીશું જ્યાં ફાયદો છે, જ્યાં ફાયદો નથી ત્યાં અમે ગઠબંધન નહીં બનાવીએ.’ એમાં નરેશ મ્હસ્કેના નિવેદનનો પણ ઉલ્લેખ છે કે મહા વિકાસ આઘાડી દ્વારા વિરોધીઓનો વિરોધ કરવાને બદલે મહાયુતિના કૉર્પોરેટરોને તોડવાનું કામ ચાલી રહ્યું છે.