18 November, 2025 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
કેટલાં ગેરકાયદે બૅનર્સ-પોસ્ટર્સ સામે કાર્યવાહી કરી? કેટલા FIR નોંધ્યા? કેટલો દંડ વસૂલ્યો? વિગતો આપો
જાહેર જગ્યાએ ગેરકાયદે લગાડવામાં આવતાં હોર્ડિંગ, બૅનર અને પોસ્ટર્સ સામે રાજ્યની સુધરાઈઓએ કેટલી ફરિયાદો નોંધી અને કેટલો દંડ વસૂલ કર્યો એની વિગતો બૉમ્બે હાઈ કોર્ટે મગાવી છે.
જાહેર જગ્યાએ લગાડવામાં આવતાં ગેરકાયદે હોર્ડિંગ, બૅનર્સ અને પોસ્ટર્સને લીધે એ સ્થળો ગંદાં દેખાય છે. એને દૂર કરવામાં આવે એવી માગણી સાથેની અનેક જનહિતની અરજીઓ પર હાલ બૉમ્બે હાઈ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ગઈ કાલે આ સુનાવણી દરમ્યાન જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને સંદેશ પાટીલની બેન્ચે કહ્યું હતું કે અમે જાણવા માગીએ છીએ કે રાજ્યની મ્યુનિસિપલ કૉર્પોરેશન અને જિલ્લા પરિષદોએ કેટલો દંડ વસૂલ કર્યો છે.
હાઈ કોર્ટની બૅન્ચે ગઈ કાલે કહ્યું હતું કે ‘ગેરકાયદે હોર્ડિંગ, બૅનર અને પોસ્ટર્સ લગાડવાના દંડની રકમ પાર્ટીનો જે ઑથોરાઇઝ્ડ માણસ હોય તેની પાસેથી વસૂલવી. આ સમસ્યાને હૅન્ડલ કરવા દરેક સુધરાઈમાં અલગ ડિપાર્ટમેન્ટ હોવો જોઈએ.’
કોર્ટે સવાલ પૂછ્યા હતા કે ‘શું અમને એ ડિટેઇલ્સ મળી શકે કે કઈ સુધરાઈએ આ માટે કેટલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવ્યા છે? એ બદલ શું પગલાં લીધાં છે? કેટલો દંડ વસૂલ્યો? હવે પછી આ માટેનો ઍક્શન-પ્લાન શું છે?’