27 October, 2026 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈમરાન ખાન
બૉમ્બે હાઈ કોર્ટ આજે અભિનેતા ઇમરાન ખાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. આ અરજીમાં તેણે પોલીસની એક નોટિસને પડકારી છે, જેમાં તેને ૨૮ ઑક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નોટિસ તેને વિદેશી નાગરિક હોવા છતાં રાજકીય વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેવા બદલ આપવામાં આવી હતી. આ અરજી ગઈ કાલે ચીફ જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવી હતી.
ઇમરાન ખાનના વકીલ વેન્કટેશ ધોન્ડ અને કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ વિનંતી કરી હતી કે આ અરજી પર મંગળવારે સુનાવણી રાખવામાં આવે. કોર્ટે આ માગણી માન્ય રાખી હતી.
૧૦ ઑક્ટોબરે મુંબઈના ઐતિહાસિક ઑગસ્ટ ક્રાન્તિ મેદાન ખાતે ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે વિરોધ-પ્રદર્શન યોજાયું હતું, જેમાં ઇમરાન ખાનને થોડા સમય માટે તાબામાં લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ મુંબઈ પોલીસે ઇમરાન ખાનને નોટિસ ઇશ્યુ કરીને ૨૮ ઑક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાનો આદેશ આપ્યો હતો.