15 July, 2026 05:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ પ્રોડક્ટ્સ મગાવી છે અદાણી ગ્રુપે.
મુંબઈના ઍરપોર્ટ પર પરવાના વગર નિકોટિન પાઉચ વેચવાના મામલામાં કેન્દ્ર સરકાર અને અદાણી ગ્રુપ વચ્ચેની કાનૂની લડાઈ ઉગ્ર બની છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશન (CDSCO) દ્વારા મુંબઈની હાઈ કોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવાયું છે કે અદાણી ગ્રુપ દ્વારા નિયમોનું આ ઉલ્લંઘન માત્ર સામાન્ય ચૂક નથી, ભારતીય ડ્રગ્સ કાયદાઓનું ગંભીર ઉલ્લંઘન છે જે જાહેર આરોગ્ય માટે મોટો ખતરો છે.
અગાઉ માર્ચ મહિનામાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ (CSMIA)ની ડ્યુટી-ફ્રી શૉપ્સ પરથી પ્રતિબંધિત નિકોટિન પાઉચનો જથ્થો પકડવામાં આવ્યો હતો. અદાણી ગ્રુપે કોર્ટમાં દલીલ કરી હતી કે આ પાઉચ કસ્ટમ્સ બૉન્ડેડ વેરહાઉસમાં રાખવામાં આવે છે અને માત્ર વિદેશ જતા મુસાફરોને જ વેચાય છે, એથી એના પર ભારતીય કાયદો લાગુ પડતો નથી. જોકે સરકારે આ દલીલ ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું છે કે માલ ભલે વેરહાઉસમાં હોય પણ એ ભૌતિક રીતે ભારતની ધરતી અને ભારતીય હવાઈ ક્ષેત્રમાં જ ઉપસ્થિત ગણાય.
સરકારે કોર્ટને જણાવ્યું કે નિકોટિન એક નશાકારક અને બંધાણી કેમિકલ છે. ભારતમાં પૅચ અને ચ્યુઇંગ ગમ જેવા નિકોટિન-રિપ્લેસમેન્ટને મંજૂરી છે, પરંતુ નિકોટિન પાઉચ સંપૂર્ણપણે ગેરકાયદે છે.