ડોમ્બિવલીનો આખો મૈશેરી પરિવાર હવે સંયમમાર્ગે: ગઈ કાલે ત્રણ સભ્યોએ દીક્ષા લીધી

16 April, 2026 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૈશેરી પરિવાર સાથે ૧૭ વર્ષની મુમુક્ષુ મૈત્રી ગડાએ પણ સંયમ ગ્રહણ કર્યો હતો

ચાર વર્ષ પહેલાં દીક્ષા લેનારાં પરમ પૂજ્ય સાધ્વી શ્રીમાંગલ્યગુણાશ્રીજી મહારાજસાહેબ (સંસારી નામ મૌલીકુમારી મૈશેરી), ગઈ કાલે દીક્ષા લેનારાં રાજેશ મૈશેરી (નવું નામ: પરમપૂજ્ય મુનિરાજ શ્રી રૈવતરત્નસાગરજી મહારાજસાહેબ), ખ્યાતિ મૈશેરી (નવું નામ: પરમપૂજ્ય સાધ્વી શ્રી જિનવાણીગુણાશ્રીજી મહારાજસાહેબ) અને વીર મૈશેરી (નવું નામ: પરમપૂજ્ય મુનિરાજ શ્રી વિવેકરત્નસાગરજી મહારાજસાહેબ), ગઈ કાલે મુમુક્ષુ મૈત્રી ગડા (નવું નામ: પરમપૂજ્ય સાધ્વી શ્રી મુનિસુવ્રતગુણાશ્રીજી મહારાજસાહેબ)એ પણ દીક્ષા લીધી હતી.

દીકરીએ ૪ વર્ષ પહેલાં દીક્ષા લીધા બાદ હવે ડોમ્બિવલીના મૈશેરી પરિવારના બાકી રહેલા સદસ્યો ભાઈ, મમ્મી અને પપ્પાએ પણ ડોમ્બિવલી-ઈસ્ટના પિમ્પલેશ્વર મંદિરના ગ્રાઉન્ડમાં ગઈ કાલે સવારે સંયમ ગ્રહણ કર્યો હતો. દીક્ષાવિધિ બાદ મુમુક્ષુ રાજેશ મૈશેરીને નવું નામ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી રૈવતરત્નસાગરજી મહારાજસાહેબ અને તેમના પુત્ર મુમુક્ષુ વીર મૈશેરીને નવું નામ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી વિવેકરત્નસાગરજી મહારાજસાહેબ આપવામાં આવ્યું હતું. આ બન્ને પિતા અને પુત્ર મારવાડરત્ન પરમપૂજ્ય ગણિવર્ય શ્રી કમલપ્રભસાગરજી મહારાજસાહેબના શિષ્ય બન્યા હતા. રાજેશભાઈનાં પત્ની મુમુક્ષુ ખ્યાતિ મૈશેરીને નવું નામ પરમપૂજ્ય સાધ્વી શ્રી જિનવાણીગુણાશ્રીજી મહારાજસાહેબ આપવામાં આવ્યું હતું અને તેઓ પરમપૂજ્ય સાધ્વી શ્રી ભાવગુણાશ્રીજી મહારાજસાહેબનાં શિષ્યા બન્યાં હતાં.

મૈશેરી પરિવાર સાથે ૧૭ વર્ષની મુમુક્ષુ મૈત્રી ગડાએ પણ સંયમ ગ્રહણ કર્યો હતો અને તેને નવું નામ પરમપૂજ્ય સાધ્વી શ્રી મુનિસુવ્રતગુણાશ્રીજી મહારાજસાહેબ આપવામાં આવ્યું હતું. તે પરમ પૂજ્ય સાધ્વી શ્રી હ્રીંકારગુણાશ્રીજી મહારાજસાહેબની શિષ્યા બની હતી.

mumbai news mumbai gujaratis of mumbai gujarati community news jain community