20 April, 2025 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૉટનગ્રીન રેલવે-સ્ટેશનમાં રેલવેએ અચાનક બહાર નીકળવાનો રસ્તો બંધ કરી દેવાથી લોકોએ રેલવેલાઇન ક્રૉસ કરીને બહાર જવું પડે છે.
હાર્બર રેલવેલાઇનમાં આવેલા કૉટનગ્રીન સ્ટેશનમાં ગયા શુક્રવારથી સ્ટેશનમાંથી રે રોડ તરફ બહાર નીકળવાનો રસ્તો અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે. અહીં પતરાં લગાવી દીધાં છે એટલે લોકોએ જીવના જોખમે રેલવેલાઇન ક્રૉસ કરવી પડતી હોવાનું જાણવા મળ્યું હતું.
મલાડમાં રહેતા અને કાલાચૌકીમાં આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરતા સિદ્ધાર્થ જોગીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારથી રેલવેએ કૉટનગ્રીન સ્ટેશનમાંથી બહાર નીકળવાનો રસ્તો કોઈ પણ પ્રકારની આગોતરી જાણ કર્યા વિના પતરાં લગાવીને બંધ કરી દીધો છે. રેલવેએ સ્ટેશનમાંથી રે રોડ તરફ બહાર નીકળવાનો કોઈ પર્યાયી રસ્તો નથી આપ્યો. કૉટનગ્રીન રેલવે-સ્ટેશન પર મારા જેવા હજારો પ્રવાસીઓ દરરોજ મુસાફરી કરે છે. કોઈ પણ પ્લાનિંગ વગર રેલવેએ એક અને બે નંબરના પ્લૅટફૉર્મની વચ્ચે બૅરિકેડ્સ મૂકી દીધાં છે જેને લીધે અમારે રેલવેલાઇન ક્રૉસ કરવા સિવાય કોઈ રસ્તો નથી રહેતો. આ ખૂબ જ ગંભીર બાબત છે એટલે રેલવેએ આ વિશે તાત્કાલિક વિચાર કરીને લોકોને બહાર નીકળવા માટે પર્યાયી માર્ગ બનાવવો જોઈએ.’