21 April, 2025 12:33 PM IST | Mumbai | Alpa Nirmal
જીત સંઘવી
એક બાજુ આજનો યુવા વર્ગ જાતજાતનાં દૂષણો અને બૂરી આદતોમાં ફસાતો જાય છે અને બીજી બાજુ દોમ-દોમ સાહ્યબીમાં ઊછરેલાં યુવાનો-યુવતીઓ અધ્યાત્મના રસ્તે વળી રહ્યાં છે, ધર્મનો માર્ગ અપનાવી રહ્યાં છે, દીક્ષા લઈને સંયમિત જીવન જીવી રહ્યાં છે. એમ કેમ? એના જવાબમાં વાગડ સાત ચોવીસી સમાજના તરવરિયા જીત વિમલ સંઘવીના ગુરુમહારાજ આચાર્ય શ્રી સંયમબોધિસૂરીશ્વરજી ‘મિડ-ડે’ને કહે છે, ‘આજનાં બાળકોને બહુ નાની ઉંમરથી અનેક પ્રકારનું એક્સપોઝર મળી રહ્યું છે. સોશ્યલ મીડિયાનાં વિવિધ માધ્યમો દ્વારા તે સંસારનાં સારાં અને નરસાં બેઉ પાસાંને બહુ અલ્પ વયે જુએ છે, એ વિશે જાણવા લાગે છે. એવા સમયે ઘરનું વાતાવરણ, મિત્રોની સંગત તથા અનેક પ્રકારે મળતા માર્ગદર્શનથી તેમનો સારી કે નરસી બાજુ પ્રત્યેનો ઝુકાવ વધે છે. વળી આ વર્ગ એવો બુદ્ધિશાળી છે કે તે જે તરફ વળે છે એને વિવિધ રીતે ચકાસે પણ છે. આવી ઓપનનેસને કારણે તેમનું વિઝન સ્પષ્ટ હોય છે.’
શહાપુર તીર્થના પ્રેરણાદાતા આચાર્ય હેમચંદ્રસૂરિ મ.સા.ના શિષ્ય સંયમબોધિસૂરિ મહારાજ આગળ ઉમેરે છે, ‘મુખ્ય વાત એ છે કે પોતાનું વિઝન સ્પષ્ટ બન્યા પછી યુવા પેઢી એ માર્ગે જવાની હિંમત કરે છે અને પૂર્ણ દૃઢતાથી ટકી રહે છે. રહી વાત સંયમના કે અધ્યાત્મના માર્ગે વળવાની તો અંત વગરની દોડ, સ્વયં દોડતા કે અન્યોને દોડતા જોયા પછી તેમનો અસીમ સંઘર્ષ, દરરોજ નવી ઊગતી અપેક્ષાઓ અને સઘળી અચીવમેન્ટ પ્રાપ્ત થયા પછી પણ રહી જતી અસંતુષ્ટિની લાગણી, અનહૅપીનેસ જેવા માનસિક પરિતાપની સામે શારીરિક કષ્ટો, અગવડો, મર્યાદિત સંસાધનો તેને વધુ શાંતિ આપે છે, સંતોષ આપે છે. આવાં વિવિધ ફૅક્ટરોને અનુલક્ષીને યુવાનો ધર્મ, અધ્યાત્મ અને સંયમ તરફ વળે છે.’
વાત તો સાચી છે. આજના યુવાન પાસે સત્ય જાણવાના અનેક રસ્તા છે, વિવિધ માધ્યમો છે અને એથીયે મોટી વાત એ કે ભિન્ન-ભિન્ન વિચારો જાણ્યા-સમજ્યા બાદ તે પોતાનો માર્ગ કંડારે છે અને કઠિન દેખાતા માર્ગે ચાલવાની, ચાલતા રહેવાની હિંમત કરે છે. ગ્રાફિક ડિઝાઇનિંગમાં ખૂબ રસ ધરાવતા જીત સંઘવીની જ વાત કરોને. પૂરાં ચાર વર્ષ તેણે મનોમંથન કર્યું કે તેને ખરેખર સાધુ બનવું છે? શું આત્માની શુદ્ધિ વગર શાંતિ મેળવવી શક્ય નથી? શું તે સાધુજીવન પ્રૉપર્લી જીવી શકશે?
સેકન્ડ યર બીકૉમ ભણેલો જીત ‘મિડ-ડે’ને કહે છે, ‘બાળપણથી મને ઘરમાં ધાર્મિક વાતાવરણ મળ્યું હતું. પપ્પાના કાકા તેમ જ પિતરાઈ બહેને દીક્ષા લીધેલી એટલે ધર્મના સંસ્કારો ગળથૂથીમાં જ મળ્યા હતા. દાદા-દાદી, મમ્મી-પપ્પા, કાકા-કાકીએ પ્રેમ સાથે ધાર્મિક જ્ઞાન પણ આપ્યું એટલે હું સંયમમાર્ગે જઉં એમાં કોઈને અચરજ ન થાય. જોકે મને દીક્ષાનો ભાવ થયો ત્યાર પછી હું જ મારી જાતને પ્રશ્ન પૂછતો, જાત-જાતના ફૅક્ટર પર વિચાર કરીને જવાબ મેળવતો. હા, ગુરુમહારાજનું પૂર્ણ માર્ગદર્શન હોય પણ આગ્રહ નહોતો. મારે જાતે જ આ ભાવના દૃઢ બનાવવી હતી.’
ઍન્ડ, જીતે એ મનોમંથન પર જીત મેળવી અને પરિવારજનોને જણાવી દીધું કે મારે દીક્ષા લેવી છે. જેન્ટ્સવેઅરનું મૅન્યુફૅક્ચરિંગ કરતા વિમલભાઈ કહે છે, ‘જીત સાડાસાત વર્ષનો હતો ત્યારે તે, તેનાં મમ્મી અને મારી મોટી દીકરી ઉપધાન તપ કરવા આચાર્ય સંયમબોધિસૂરિ મહારાજ પાસે ગયાં હતાં. મેં ઉપધાન નહોતું કર્યું; પરંતુ જીતની ઉંમર નાની હોવાથી તેને તપમાં, ક્રિયામાં મેન્ટલ સપોર્ટ રહે એ માટે હું પણ તેની સાથે જ રહ્યો. એ દરમ્યાન મહારાજસાહેબના તાત્ત્વિક છતાં પ્રૅક્ટિકલ પ્રવચને મારા પર ઊંડી છાપ છોડી. જીત તો નાનો હતો, તેને બહુ સમજ ન પડે. છતાં તેને એમાં રસ બહુ પડતો. એ જાણીને મહારાજસાહેબે સૂચન કર્યું કે જીતને આ બધું ગમે છે તો તેને વેકેશન દરમ્યાન અમારી પાસે મોકલો. મને અને મારાં વાઇફ જાગૃતિને થયું કે ગુરુદેવ પાસે જશે તો સારા સંસ્કાર પડશે અને એ સત્સંગથી ખોટી આદતોમાં નહીં પડે. આમ પૂજ્યશ્રી સાથે અમારો પરિચય ગાઢ બન્યો. જીતનું સ્કૂલનું શિક્ષણ પૂરું થયું અને કૉલેજ શરૂ થઈ ત્યાં તો કોરોના આવ્યો. શિક્ષણ ઑનલાઇન થઈ ગયું અને જીત મહારાજસાહેબ પાસે ગુજરાત ગયો. ત્યારે તે હતો તો ૧૬ વર્ષનો, પરંતુ ખૂબ સમજદાર.’
જીતનાં મમ્મી જાગૃતિબહેન કહે છે, ‘તે મહારાજસાહેબ પાસે રહેતો, ભણતો એટલે ફ્રેન્ડ્સ, સગાંસંબંધી અને પરિવારજનોને સ્વાભાવિક પ્રશ્ન થાય કે જીત દીક્ષા લેવાનો છે? દરેક જણ કન્સર્નને કારણે તેને કહે કે સાધુજીવનમાં તો આમ કરવું પડે, આમ ન થાય વગેરે. જીતને પણ વિચાર આવે કે શું તે આવું આકરું સંયમપાલન કરી શકશે? અમારી સાથે એ વિશે વાત કરે, ગુરુદેવ સાથે ચર્ચા કરે; પણ અમે કોઈએ તેને આગ્રહ ન કર્યો. અમને થયું કે તેને જ નક્કી કરવા દો તેને શું કરવું છે. ફાઇનલી, ૬ મહિના પહેલાં તેણે અમને જણાવી દીધું કે તેને દીક્ષા જ લેવી છે. અમે તેના નિર્ણયથી ખુશ થયા, પરંતુ એનાથી વધુ હર્ષ એ વાતનો છે કે જીતે તેની પૂર્ણ સમજ અને સભાનતાથી આ નિર્ણય લીધો છે.’
વાતનો દોર આગળ વધારતાં જીત કહે છે, ‘સાધુજીવન શારીરિક દૃષ્ટિએ કઠિન હોઈ શકે, પરંતુ એમાં મન ખૂબ પ્રફુલ્લિત રહે છે. અહીં કોઈ રેસ નથી, હુંસાતુંસી નથી, મમત્વ નથી કે જડતા નથી. અહીં પરસ્પર સહકાર છે અને એ ભાવના જ ખૂબ શાતા આપે છે.’
જીતની દીક્ષા ૩૦ એપ્રિલે અખાત્રીજે વહેલી સવારે દાદર-વેસ્ટની ઍન્ટોનિયો ડિસિલ્વા સ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાઈ છે. આ નિમિત્તે અહીં ૧૦૦થી વધુ સાધુ-સાધ્વીજીમહારાજ ઉપસ્થિત રહેશે. જીત આચાર્ય શ્રી સંયમબોધિસૂરિ મ.સા.ના શિષ્ય પંન્યાસ કૃપાબોધિવિજયજી મ.સા.નો શિષ્ય બનશે.