26 October, 2026 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રેલવે-પ્રવાસ દરમ્યાન ચોરી થયેલા સોનાના દાગીના અને રોકડ રકમ શોધી કાઢીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ફરિયાદીને ૨૬.૭૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ સફળતાપૂર્વક પાછો સોંપ્યો છે. GRPની ક્રાઇમ બ્રાન્ચના કલ્યાણ યુનિટે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરીને પશ્ચિમ બંગાળથી આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ કોર્ટના આદેશ મળતાં જ જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ એના મૂળ માલિકને સુપરત કરવામાં આવ્યો હતો.
CSMTના GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૭ જાન્યુઆરીએ બાવીસ વર્ષનો અભિષેક શિકરવાર વિદર્ભ એક્સપ્રેસ ટ્રેન દ્વારા નાગપુરથી મુંબઈ તરફ પ્રવાસ કરી રહ્યો હતો. પ્રવાસ દરમ્યાન તે ઊંઘતો હતો ત્યારે અજાણ્યા ચોરે તેની સોનાના દાગીના અને રોકડ ભરેલી બૅગ ચોરી લીધી હતી. આ વિશે અમારી પાસે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અમારી ટીમે તરત જ તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. કેસની તપાસ દરમ્યાન GRP ક્રાઇમ બ્રાન્ચની મદદથી પશ્ચિમ બંગાળના ૨૮ વર્ષના આરોપી ઝાહિર જમાલ શેખની ઓળખ કરીને તેની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ચોરી થયેલા ૧૭૫.૭૫ ગ્રામ સોનાના દાગીના અને ૫૬,૫૦૦ રૂપિયાની રોકડ ગયા અઠવાડિયે જપ્ત કરવામાં આવી હતી. તાજેતરમાં કોર્ટના ઑર્ડર પછી તમામ માલમતા ફરિયાદીને પાછી સોંપવામાં આવી છે.’