✕

ગિરગામ ચોપાટી પર છઠ્ઠ પૂજાની મંજૂરી માગતા મિથિલા સંઘને હાઈ કોર્ટે તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો

12 November, 2026 12:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જાહેર વ્યવસ્થા અને લોકોના સ્વાસ્થ્યને આધીન હોવાનું અદાલતનું અવલોકન

બૉમ્બે હાઈ કોર્ટ

ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને લોકોના સ્વાસ્થ્યને આધીન હોવા પર ભાર મૂકીને બૉમ્બે હાઈ કોર્ટે ૧૫ અને ૧૬ નવેમ્બરે ગિરગામ ચોપાટી પર છઠ્ઠ પૂજાની મંજૂરી માગતી મિથિલા છઠ્ઠ પૂજા સંઘની અરજીને તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે.

હાઈ પાવર કમિટીના નિર્દેશો ટાંકીને ડી.બી. માર્ગ પોલીસ-સ્ટેશને ૧૭ સપ્ટેમ્બરે અરજી ફગાવી દીધા બાદ આ સંસ્થાએ વેકેશન બેન્ચ સમક્ષ દાદ માગી હતી. એ નિર્દેશમાં સ્પષ્ટ જણાવાયું હતું કે ‘ગણેશોત્સવ, નવરાત્રિ ઉત્સવ, રામલીલા, કૃષ્ણલીલા અને ક્રિસમસ સિવાયના અન્ય કોઈ પણ કાર્યક્રમની ગિરગામ ચોપાટી પર પરવાનગી આપવી નહીં.’

અદાલતે બંધારણીય જોગવાઈઓ દર્શાવતાં જણાવ્યું હતું કે ‘ધર્મ પાળવાની, આચરણ કરવાની અને પ્રચાર કરવાની સ્વતંત્રતા છે એમાં કોઈ શંકા નથી. જોકે બંધારણીય જોગવાઈ મુજબ એ અધિકાર જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને આરોગ્યને આધીન છે.’

અદાલતે જણાવ્યું હતું કે અરજદાર કાયદા હેઠળ ઉપલબ્ધ અન્ય વિકલ્પો અજમાવવા માટે સ્વતંત્ર છે. આ મામલે હવે આ મહિનાના અંતમાં વધુ સુનાવણી હાથ ધરાશે. 

mumbai news mumbai festivals culture news girgaum chowpatty bombay high court