પતિએ ફ્રેન્ડને બર્થ-ડે ગિફ્ટમાં પત્ની આપી

01 December, 2021 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આંબોલીમાં બનેલા આ બનાવમાં એ પછી તેણે મિત્રને પોતાની પત્ની પર બળાત્કાર કરવા દીધો

પ્રતીકાત્મક તસવીર

આંબોલીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એમાં પોતાના મિત્રને બર્થ-ડે પર પોતાની જ પત્નીની ગિફ્ટ આપી હતી. ત્યાર બાદ પત્નીને કોલ્ડ ડ્રિન્કમાં નશીલી દવા પીવડાવીને મિત્રને તેના પર રેપ કરવા દીધો હતો. આ ઘટના પછી પત્નીની ફરિયાદ મુજબ પોલીસે પતિ અને તેના મિત્ર વિરુદ્ધ કેસ દાખલ કરીને તેમની ધરપકડ કરી છે. આરોપીઓને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે ત્રણ દિવસની પોલીસ-કસ્ટડી આપી છે.
ફરિયાદી મહિલા અંધેરીમાં રહે છે. શુક્રવારે સાંજે તેના પતિએ તેને કહ્યું હતું કે મારા મિત્રનો બર્થ-ડે છે એટલે તેના ઘરે આપણે જમવા જવાનું છે. આમ કહીને પતિ તેને મિત્રના ઘરે લઈ ગયો હતો. ઘરે ગયા બાદ તેણે પત્નીને કોલ્ડ ડ્રિન્ક પીવડાવ્યું હતું. એ પીધા બાદ તે બેહોશ થઈ ગઈ હતી. તેને થોડા કલાક પછી હોશ આવ્યું ત્યારે તેના શરીર પર કપડાં નહોતાં. એ પછી પોતાના પર શું વીત્યું એ તે સમજી ગઈ હતી અને તેણે આ બાબતની તેના પતિને વાત કરી ત્યારે પતિએ તેને ચૂપ રહેવા કહ્યું હતું. એની સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે મહિલાએ આ બાબતની આંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 
આંબોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સોમેશ્વર કામઠેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હાલમાં અમે મહિલાના સ્ટેટમેન્ટ પર ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે. 
અન્ય એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાએ ઘરે પાછા ફર્યા બાદ તેણે આખા પરિવારને તેની સાથે શું થયું એ જણાવ્યું હતું. ત્યાર પછી તેના પરિવારે શનિવારે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. અમે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના પોલીસ-રિમાન્ડ મેળવ્યા હતા.’ 

Mumbai mumbai news