વાંદરાઓના વધેલા ત્રાસે લોકોને બંધિયાર જીવન જીવતા કરી દીધા

28 October, 2021 09:45 AM IST  |  Mumbai | Rohit Parikh

ઘાટકોપર-ઈસ્ટમાં આવેલી એમ્બેસી સોસાયટીના સેક્રેટરીએ મેમ્બરોને ઘરનાં બારીબારણાં બંધ રાખવાની સૂચના આપી

ઘાટકોપર-ઈસ્ટના પંતનગર વિસ્તારની એમ્બેસી સોસાયટીની કમ્પાઉન્ડ વૉલ પર અને ફ્લૅટની બારી પર મજા માણી રહેલો વાંદરા.

છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ઘાટકોપરમાં વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે. પહેલાં આ વાંદરાઓ વિદ્યાવિહાર-ઈસ્ટના ચિત્તરંજનનગરમાં અને ‘ડી’ કૉલોનીમાં જ આવીને વસ્યા હતા. હવે આ વાંદરાઓ ઘાટકોપર-ઈસ્ટના પંતનગરમાં આચાર્ય અત્રે મેદાનની સામે નવી જ બનેલી એમ્બેસી સોસાયટીમાં પહોંચી ગયા છે જેને કારણે આ સોસાયટીના રહેવાસીઓએ બંધિયાર જીવન જીવવાની નોબત આવી છે. 
ત્રણ વર્ષ પહેલાં વિદ્યાવિહાર-ઈસ્ટના ચિત્તરંજનનગર અને ‘ડી’ કૉલોનીમાં નવથી દસ વાંદરાઓનો એક પરિવાર આવીને વસ્યો હતો. આ વાંદરાઓનો પરિવાર આ વિસ્તારના રહેવાસીઓનું ખાવાનું અને કપડાં લઈ જતો હતો. વાંદરાઓથી આ રહેવાસીઓ ભયંકર ત્રાસી ગયા હતા. તેમણે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટથી લઈને પ્રાણીપ્રેમીઓ જેવા અનેક લોકોની સહાય લીધી હતી, પણ તેમનો ત્રાસ દૂર થયો નહોતો. એક સમય એવો આવી ગયો કે આ વિસ્તારના રહેવાસીઓએ તેમની બાલ્કનીઓમાં મચ્છરોની જાળી લગાડવામાં આવે એવી રીતે વાંદરાઓ ઘરમાં ઘૂસી ન જાય એવી ગ્રિલ બેસાડવાની શરૂઆત કરી દીધી. 
સમય જતાં વાંદરાઓનો આ પરિવાર ઘાટકોપર-ઈસ્ટના રાજાવાડી, રામજી આસર લેન, વેસ્ટમાં કામા લેન, હાંસોટી લેન જેવા વિસ્તારોમાં જઈને તરખરાટ મચાવવા લાગ્યો. પ્રમોદ મહાજન ગાર્ડનની આસપાસની વાડીઓમાં અને ઓઘડભાઈ લેનમાં પણ આ વાંદરાઓ ક્યારેક બાળકો માટે મસ્તી તો ક્યારેક જોખમી બનવા લાગ્યા હતા. આ ત્રાસથી કંટાળેલા રહેવાસીઓ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરતા, પણ આ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સ્પૉટ પર પહોંચે એ પહેલાં જ વાંદરાઓ ત્યાંથી ગાયબ થઈને બીજા વિસ્તારમાં જતા રહેતા હોવાથી આ અધિકારીઓ આજ સુધી વાંદરાઓને પકડવામાં સફળ થયા નથી. 
આ અધિકારીઓ રહેવાસીઓને સલાહ આપતા જાય કે વાંદરાઓને ખાવાનું આપવાનું બંધ કરો અને બાળકોને કહો કે સંભાળીને રહે, પણ રહેવાસીઓએ ખાવાનું આપવાની જરૂર જ નહોતી પડતી અને વાંદરાઓ ઘરમાં ઘૂસીને ખાવાનું લઈ જતા હતા. 
આ બાબતની માહિતી આપતાં રાજાવાડીથી પંતનગરમાં રહેવા આવેલા ઘાટકોપરના સામાજિક કાર્યકર હરેશ અવલાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે દિવસથી અમુક વાંદરાઓ પંતનગરમાં આવી ગયા છે. આ વાંદરાઓ હવે નવી બનેલી એમ્બેસી સોસાયટીમાં ઘૂસી ગયા છે. વાંદરાઓ સોસાયટીમાં આવી જતાં તરત જ અમારી સોસાયટીના એક સક્રિય સભ્ય શશાંક મહેતાએ સોસાયટીના મેમ્બરોને સૂચના આપતાં કહ્યું હતું કે ‘આપણી સોસાયટીમાં ગ્રિલની વ્યવસ્થા ન હોવાથી બધા લોકો પોતાના ફ્લૅટનાં બારી-બારણાં બંધ રાખે. એને લીધે હવે અમારી સોસાયટીના મેમ્બરોએ ખુલ્લી હવા છોડીને વાંદરાઓને લીધે બંધિયાર જીવન જીવવાની નોબત આવી છે.’ 

Mumbai mumbai news vidyavihar rohit parikh