રેલવે પોલીસના જવાને બતાવી જબરદસ્ત માનવતા

22 July, 2021 09:57 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ગરીબ છોકરી પાસે અભ્યાસ કરવા માટે મોબાઇલ ન હોવાથી ગિફ્ટ આપ્યો

માનવતાનું છે આ સચોટ ઉદાહરણ. રેલવેના અધિકારીએ છોકરીને અભ્યાસ માટે ખાસ મોબાઇલ ગિફ્ટ આપ્યો હતો.

રામમંદિરના આરપીએફ પોલીસ અધિકારીએ એક છોકરીના અભ્યાસમાં આવ‍તા અવરોધને દૂર કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઑનલાઇન અભ્યાસ માટે મોબાઇલ મળ્યો હોવાથી તે છોકરી ખૂબ જ રાજી થઈ ગઈ હતી અને તેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. 
રામમંદિર (વેસ્ટ)માં રહેતી એક મહિલા લોકોનાં ઘરોમાં કામકાજ કરીને અને ટિફિન બનાવીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે. આ મહિલાને બે દીકરીઓ છે. તેની મોટી દીકરી પાંચમા ધોરણમાં ભણી રહી છે. પરિસ્થિતિ સારી ન હોવા છતાં મહિલાને તેની દીકરીઓને ભણવાની ખૂબ ઇચ્છા છે. એથી દિવસ-રાત એક કરીને તે દીકરીઓને ભણાવે છે. હાલમાં લૉકડાઉનને કારણે સ્કૂલ બંધ હોવાથી ઑનલાઇન ક્લાસ ચાલી રહ્યા છે. એ માટે મોબાઇલની આવશ્યકતા હોવાથી છોકરી અભ્યાસ કરી શકતી નહોતી. આ વિશે મલાડમાં કાર્યરત આરપીએફના પોલીસ અધિકારી સતીશકુમારને જાણ થઈ હતી. એથી તેઓ તરત જ બાળકીને મદદ કરવા આગળ આવ્યા હતા અને બાળકીને મોબાઇલ ગિફ્ટ આપ્યો હતો.
આરપીએફના સિનિયર પોલીસ અધિકારી સતીશકુમારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘તે મહિલા મહેનત કરીને પોતાનું ઘર ચલાવે છે અને છોકરીને ભણાવી રહી છે. જોકે તે એક સારો મોબાઇલ અભ્યાસ માટે તેની દીકરીને આપી શકે એટલી સમર્થ નથી. તેના ઘરમાં જૂનો મોબાઇલ હતો, પરંતુ એની બૅટરી ખરાબ થઈ ગઈ હતી અને એ બરાબર ચાલી રહ્યો નહોતો. આ વિશે મને જાણ થઈ હતી એટલે છોકરી માટે સારો મોબાઇલ ખરીદીને તેને ગિફ્ટ આપ્યો હતો. મને થયું કે મોબાઇલને લીધે છોકરીનું ભવિષ્ય અંધારામાં જતું રહેશે. ઉપરાંત તેને મહેનત કરીને એક જવાબદાર નાગરિક બનવાની અને ભવિષ્યમાં મોટી પોસ્ટ પર ડ્યુટી કરી શકે એવી સક્ષમ બનવાની સલાહ પણ આપી હતી.’    

Mumbai Mumbai news preeti khuman-thakur