બૅન્ક લૂંટવાના કલાક પહેલાં હત્યારાએ ફોન કર્યો હતો

31 July, 2021 11:00 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

વિરારની આઇસીઆઇસીઆઇ બૅન્કની આ ઘટનામાં આરોપી અનિલ દુબેના માથે એક કરોડનું દેવું થતાં તેણે આ પ્લાન બનાવ્યો હતો. જોકે ગેમ ઊંઘી વળી અને હત્યાના કેસમાં પકડાઈ ગયો

હુમલો કરીને ફરાર થઈ રહેલા આરોપી અનિલ દુબેને લોકોએ પકડી પાડ્યો હતો. હુમલામાં જીવ ગુમાવનાર બૅન્કની મહિલા કર્મચારી યોગિતા ચૌધરી.

વિરાર-ઈસ્ટમાં આવેલી આઇસીઆઇસીઆઇ બૅન્કની ૩૬ વર્ષની અસિસ્ટન્ટ બ્રાન્ચ મૅનેજર યોગિતા નિશાંત ચૌધરીની ગુરુવારે રાતે હત્યા કરવાના અને બૅન્કની કૅશિયર શ્રદ્ધા દેવરુખકરને ઈજા પહોંચાડવાના આરોપસર ૩૬ વર્ષના મુખ્ય આરોપી અનિલ દુબેની ધરપકડ કરવામાં આવી છે. બૅન્કમાં લૂંટ કરવાનું કારણ સામે આવ્યું છે. આરોપીના માથે એક કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. એથી તેણે ચોરી કરવાની યોજના બનાવીને ૩.૩૮ કરોડ રૂપિયાનું સોનું ચોરી લીધું જેથી દેવાની રકમ ચૂકવી શકાય. ઉલ્લેખનીય છે કે આરોપી આશરે એક વર્ષ પહેલાં આ જ બૅન્કનો કર્મચારી પણ રહી ચૂક્યો છે. આ કૃત્ય બાદ તેને ઍક્સિસ બૅન્કમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો છે. 
વિરાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશ વરાડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આરોપી અનિલ દુબેને હુમલા બાદ સ્થાનિક લોકોએ પકડી લીધો હતો અને પોલીસને સોંપ્યો હતો. તેની પાસે સોનું ધરાવતી બૅગ પણ હતી. પોલીસે તેની સ્વિફ્ટ ડિઝાયર કાર પણ જપ્ત કરી છે જેમાં તે બૅન્કમાં આવ્યો હતો. કાર ઘટનાસ્થળથી થોડા મીટર દૂર મળી આવી હતી. ઘટના બાદ ગઈ કાલે બૅન્કના મૅનેજર નીતિન અંબેરે ફરિયાદ નોંધાવી હતી. અનિલ દુબેની આઇપીસીની કલમ ૩૯૭ (લૂંટ અને ડેકોઇટી), ૩૦૭ (મર્ડરનો પ્રયાસ) અને ૩૦૨ (મર્ડર) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બૅન્કની કૅશિયર શ્રદ્ધાની તબિયત ગંભીર હોવાથી તેને મુંબઈની હૉસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.’
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘આરોપીને ગઈ કાલે બપોરે વસઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેને એક અઠવાડિયા માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. ઍક્સિસ બૅન્કે પણ અનિલ દુબેને આ ગુનાને કારણે તાત્કાલિક અસરથી કાઢી મૂક્યો છે. આરોપી અગાઉ ૨૦૧૯ના જાન્યુઆરીથી ૨૦૨૦ના ઑગસ્ટ સુધી આઇસીઆઇસીઆઇ બૅન્ક સાથે હતો અને ૨૦૨૦ના ઑગસ્ટમાં ઍક્સિસ બૅન્કમાં જોડાયો હતો અને નાયગાંવ બ્રાન્ચમાં બ્રાન્ચ હેડ તરીકે કામ કરતો હતો. વર્ષોથી બૅન્કિંગ ક્ષેત્રનો અનુભવ ધરાવતા અનિલ દુબેએ અનેક પ્રાઇવેટ બૅન્કોમાં પણ કામ કર્યું છે. તેના પર મોટા પાયે દેવું થયું હતું. કહેવાય છે કે તેણે ઊંચા વ્યાજે અમુક પ્રૉપર્ટી ખરીદી હતી જે કોઈ કારણસર અટવાઈ જતાં દેવું થઈ ગયું હતું.’ 
વિરાર પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે વિરારની સંજીવની હૉસ્પિટલમાં શ્રદ્ધા દેવરુખકરની સ્થિતિ ગંભીર છે. મહિનો પૂરો થવાને કારણે બન્ને મહિલા કર્મચારી બ‌ૅન્કના સોનાને બૅન્કની હેડ ઑફિસ. સમક્ષ રજૂ કરવા માટે જરૂરી તૈયારી કરી રહી હતી. અનિલ દુબેને આની જાણકારી હતી. એટલું જ નહીં, તેણે એક કલાક પહેલાં યોગિતા ચૌધરીને ફોન પણ કર્યો હતો અને ત્યાર બાદ આ કૃત્ય કર્યું હતું. આરોપી નાયગાંવ શાખાથી તેની ડ્યુટીના સમય બાદ સીધો પહોંચ્યો હતો. 
બૅન્કમાં ગુનો કરતી વખતે આરોપીએ યોગિતા ચૌધરીને આદેશ આપ્યો કે તે તમામ ૩.૩૮ કરોડ રૂપિયાનું સોનું એક બૅકપૅકમાં મૂકે. તેણે ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ બે મહિલાઓએ પ્રતિકાર કર્યો હતો અને મદદ માટે બૂમો પણ પાડી હતી. અનિલ દુબેએ ગભરાઈને છરી લઈને બન્ને મહિલાઓની છાતી, ગરદન, ગળા અને હાથ પર હુમલો કર્યો હોવાથી યોગિતા ચૌધરીનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. તેની ગરદન ચીરાઈ ગઈ હોવાથી તે લોહીલુહાણ થઈ ગઈ હતી. બૂમાબૂમ સાંભળીને લોકોએ આરોપીઓનો પીછો કર્યો હતો અને તેને પકડી લેવામાં આવ્યો હતો. તેની પાસે રહેલી બૅગ લઈને એને સુરક્ષિત રાખવા માટે બાજુના આઇસીઆઇસીઆઇના એટીએમમાં રાખી હતી. પછી આરોપી અને બૅગ પોલીસને સોંપ્યાં હતાં.

આરોપીને પકડવામાં મદદ કરનારનું સન્માન
હુમલો કરીને ભાગનાર આરોપી અને બૅન્કના ભૂતપૂર્વ મૅનેજરને પકડવામાં મદદ કરનાર એક યુવક અને બે યુવતીઓનું એમબીવીવીના પોલીસ કમિશનર સદાનંદ દાતેના હસ્તે સન્માન કરીને પત્ર પણ આપવામાં આવ્યો હતો.

Mumbai mumbai news preeti khuman-thakur