14 January, 2026 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BMCના હેડક્વૉર્ટરમાં ગઈ કાલે તડામાર તૈયારી જોવા મળી હતી. તસવીર : શાદાબ ખાન
૧૫ જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનોના ઇલેક્શન માટે મતદાન થવાનું છે. ગઈ કાલે પૉલિટિકલ કૅમ્પેનિંગ માટે છેલ્લો દિવસ હતો. ગઈ કાલે સાંજે ૫.૩૦ વાગ્યા પછી રાજકીય પાર્ટીઓ, એમના ઉમેદવારો અને કાર્યકરોની પ્રચારસભાઓ અને રૅલીઓની દોડધામ પૂરી થઈ હતી. નિયમ પ્રમાણે મતદાન પહેલાંના ૪૮ કલાકમાં કોઈ પણ ઉમેદવાર ઇલેક્શન કૅમ્પેનિંગ કે મતદારોને પ્રભાવિત કરી શકે એવી કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાઈ શકતો નથી.
ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના ગઠબંધનના નેતાઓએ લોકોને મહાયુતિને વોટ આપીને મકરસંક્રાન્તિના તહેવારની ઉજવણી કરવાની અપીલ કરી હતી. તો સામે પક્ષે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (UBT) અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ મરાઠી માણૂસના અસ્તિત્વનો આ જંગ હોવાનું કહીને ઇમોશનલ અપીલ સાથે લોકોને ઠાકરે પરિવારને સાથ આપવા આહ્વાન કર્યું હતું.
ઑલ સેટ : આજે બધાં EVM મતદાનકેન્દ્રોમાં પહોંચી જશે
આવતી કાલે પહેલાં સવારે ૫.૩૦થી ૭.૩૦માં યોજાશે મૉક-પોલિંગ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શન માટે આખું શહેર તૈયારીમાં લાગી ગયું છે. ૧૫ જાન્યુઆરીએ થનારા મતદાન માટે હવે ઇલેક્શન કમિશનના ઑફિસર્સ અન્ય ગવર્નમેન્ટ સ્ટાફ સાથે બુધવારે વહેલી સવારથી શુક્રવારે રાત સુધી રાઉન્ડ ધ ક્લૉક ૭૨ કલાક સતત કામગીરી કરવાના છે. મતદાનમથકોને તૈયાર કરવાથી લઈને ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)નું ચેકિંગ અને સુરક્ષિત ટ્રાન્સપોર્ટ સુધીના કામની જવાબદારી ઑફિસર્સની હોય છે. BMC હેડક્વૉર્ટર્સમાં મીટિંગોનો દોર ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આજે EVMને એકદમ સુરક્ષિત રીતે સેન્ટ્રલ ગોડાઉન્સમાંથી શહેરનાં મતદાનકેન્દ્રોમાં લઈ જવામાં આવશે. મશીન આવ્યા પછી પોલિંગ-સ્ટાફ પણ મતદાનકેન્દ્રમાં જ રહેશે. ગુરુવારે સવારે ૫.૩૦થી ૭.૩૦ વાગ્યા સુધી મોક-પોલિંગ કરવામાં આવશે. એ પછી તરત જ નાગરિકો માટે વોટિંગની શરૂઆત થઈ જશે. અત્યારે EVMને વિક્રોલી અને કાંદિવલીના ગોડાઉનમાં મૂકવામાં આવ્યાં છે.
વોટિંગ માટે મોડામાં મોડા સાંજે ૫.૩૦ પહેલાં પહોંચવું પડશે મતદાનમથક પર ૧૫ જાન્યુઆરીએ સવારે ૭.૩૦ વાગ્યે વોટિંગની શરૂઆત થશે. સાંજે ૫.૩૦ વાગ્યા સુધી પોલિંગ-સ્ટેશનમાં આવી ગયા હશે એવા તમામ નાગરિક વોટિંગ કરી શકશે. જરૂર પડશે તો રાતે ૮ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. શુક્રવારે સવારે ૧૦ વાગ્યે કાઉન્ટિંગની શરૂઆત થશે.
ફર્સ્ટ ટાઇમ વોટર્સ, મતદાન માટે તૈયાર છોને? આટલી વાતોનું ધ્યાન રાખજો
પહેલી વાર વોટિંગ કરવું રોમાંચક તો હોય જ છે, પણ સાથે થોડી સાવચેતી પણ માગી લે છે. પોતાના મતાધિકારની અભિવ્યક્તિ ઉપરાંત એક વોટથી ફર્સ્ટ ટાઇમ વોટર્સ હવે મુંબઈના નવનિર્માણમાં તેમનો ફાળો પણ નોંધાવવાના છે. આ માટે તેમણે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે એનું લિસ્ટ બનાવ્યું છે.
પહેલી વાર વોટ આપવા જાઓ ત્યારે આ સ્ટેપ્સ ફૉલો કરજો
તમારું વોટર ID કાર્ડ તૈયાર રાખો.
તમારા વોટિંગ-બૂથનું ઍડ્રેસ બે વાર ચેક કરી લો.
તમારું બીજું ઓળખપત્ર પણ હાથવગું રાખો.
તમારે કયા ટાઇમમાં વોટ આપવા જવું છે એ પહેલેથી નક્કી કરી લો.
વોટિંગની આ પ્રોસેસને પણ જાણી લો
બૂથ પર ઇલેક્શન-ઑફિસર તમારું નામ ચેક કરશે અને તમારી આંગળી પર સહી લગાડશે. તમને વોટ આપવા માટે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) તરફ જવાનું કહેવામાં આવશે, પણ એ પહેલાં તમારે રજિસ્ટરમાં સહી કરવાની રહેશે. EVM ત્રણ બાજુથી ઢંકાયેલું હશે. સ્ક્રીન પર ઉમેદવારોનાં નામ અને નામની સામે સિમ્બૉલ દર્શાવેલાં હશે. તમારે તમારી પસંદગીના ઉમેદવારને વોટ આપવા માટે તેમના નામની સામેના સિમ્બૉલની બાજુમાં આપેલું બટન દબાવવાનું રહેશે. જો કોઈ ઉમેદવારને મત આપવા માગતા ન હો તો તમારા માટે નન ઑફ ધ અબવ (NOTA)નો ઑપ્શન પણ રહેશે.