ભાઈંદર સ્ટેશન પર નહીં, ૩ કિલોમીટર દૂર જઈને લોકલ ટ્રેન ઊભી રહી

10 April, 2026 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રેન ચૂકી ગયેલા મુસાફરોને AC લોકલમાં પ્રવાસ કરવાની છૂટ અપાઈ, વેસ્ટર્ન રેલવેએ આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો

પ્રતીકાત્મક તસવીર

સામાન્ય રીતે લોકલ ટ્રેનમાં આવી ભૂલ સામે આવતી નથી, પણ બુધવારે સવારે વેસ્ટર્ન રેલવેમાં બેદરકારીની ઘટના સામે આવી હતી. વિરારથી દાદર જતી ૧૫ કોચની ફાસ્ટ લોકલ ટ્રેન સ્ટૉપેજ હોવા છતાં ભાઈંદર સ્ટેશન પર ઊભી રહી નહોતી અને પૂરઝડપે પસાર થઈ ગઈ હતી. સવારના પીક અવર્સ દરમ્યાન બનેલી આ ઘટનાને કારણે કામ પર જવા નીકળેલા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. સવારે ૧૦.૪૪ વાગ્યાની વિરારથી ઊપડેલી દાદર ફાસ્ટ લોકલ ભાઈંદર સ્ટેશને ઊભી રહેવાની હતી, પરંતુ ટ્રેન સીધી આગળ નીકળી જતાં પ્લૅટફૉર્મ પર ઊભેલા સેંકડો મુસાફરોને હેરાનગતિ થઈ હતી.

બીજી તરફ જે મુસાફરોએ ભાઈંદર ઊતરવાનું હતું તેઓ ટ્રેન ન રોકાતાં મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. ટ્રેન ૩ કિલોમીટર દૂર જઈને ઊભી રહી જતાં મૂંઝવણમાં મુકાયેલા કેટલાક મુસાફરોએ જોખમી રીતે પાટા પર ઊતરીને ભાઈંદર સ્ટેશન તરફ ચાલવાનું શરૂ કર્યું હતું.  આ અંધાધૂંધી વચ્ચે ભાઈંદર પ્લૅટફૉર્મ પર વિરાર-ચર્ચગેટ AC ફાસ્ટ લોકલ આવી પહોંચી હતી. ટ્રેન ચૂકી ગયેલા અને પરેશાન મુસાફરોએ આ AC ટ્રેનમાં ચડવા માટે જીદ કરી હતી. સ્થિતિની ગંભીરતાને જોઈને અધિકારીઓએ સામાન્ય ટિકિટ ધરાવતા મુસાફરોને પણ AC લોકલમાં મુસાફરી કરવાની પરવાનગી આપી હતી. પશ્ચિમ રેલવેએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે. આટલી મોટી ચૂક કઈ રીતે થઈ અને એમાં ટ્રેનના ડ્રાઇવર કે સિગ્નલિંગ સિસ્ટમની શું ભૂમિકા હતી એની ઉચ્ચ સ્તરની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. 

mumbai news mumbai western railway mumbai local train bhayander virar