BKCને ધારાવી સાથે જોડતો મીઠી નદી પરનો જૂનો બ્રિજ તોડીને નવો બનાવવામાં આવશે

21 October, 2025 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નવો બ્રિજ બનાવવાથી અહીં ટ્રાફિક જૅમ ઘટશે એવો દાવો BMCએ કર્યો છે. 

ફાઇલ તસવીર

‍બાંદરા–કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ને સાયન સાથે જોડતા મીઠી નદી પરના વર્ષો જૂના બ્રિજને હવે તોડીને નવો બનાવવામાં આવશે. આ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કૉન્ટ્રૅક્ટરની પસંદગી કરી લીધી છે. ૩૦૩ કરોડ રૂપિયાના ખર્ચે આ નવો બ્રિજ બનાવવામાં આવશે. આ નવો બ્રિજ બનાવવાથી અહીં ટ્રાફિક જૅમ ઘટશે એવો દાવો BMCએ કર્યો છે. 

૨૦૦૫માં આવેલા પૂર પછી એનાં કારણો જાણવા માટે એક ખાસ સમિતિ બનાવવામાં આવી હતી. એ સમિતિએ મીઠી નદીનો પટ જે ૬૮ મીટર હતો એ વધારીને ૧૦૦ મીટરનો કરવાની ભલામણ કરી હતી. એ ભલામણને અનુસરીને માહિમ-ધારાવીને BKC સાથે જોડતા એ બ્રિજને નવેસરથી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ પણ એ બ્રિજ પર સખત ટ્રાફિક જૅમ થતો હોય છે એટલે હવે એ બ્રિજ પહોળો અને ઊંચો બનાવવામાં આવશે.

હાલના ​બ્રિજની પહોળાઈ ૯.૩ મીટર અને લંબાઈ છે ૧૦૮ મીટર છે. નવા બ્રિજની પહોળાઈ ૪૮ મીટર રાખવામાં આવશે. નવા બ્રિજને કારણે ‍BKC અને ધારાવી વચ્ચે થતો ટ્રાફિક જૅમ ઓછો થશે. ૩૦૩.૯૫ કરોડ રૂપિયાના ખર્ચે બનનારો આ બ્રિજ બે વર્ષમાં ચાલુ કરવાનો ટાર્ગેટ હાલ રાખવામાં આવ્યો છે.  

થાણેમાં શરૂ થઈ ગયો અનોખો ઑ​ક્સિજન પાર્ક

ગઈ કાલે થાણેમાં આવેલી હીરાનંદાની મેડોઝ નામની હાઉસિંગ સોસાયટીમાં ઑક્સિજન પાર્ક તરીકે ઓળખાતા રાજમાતા જિજાઉ ગાર્ડનનું ઉદ‍્ઘાટન નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કર્યું હતું. આ ગાર્ડન સાડાત્રણ એકરમાં બન્યું છે અને એને વિકસાવવા માટે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનને રાજ્ય સરકારે ૪ કરોડ રૂપિયાનું ભંડોળ આપ્યું છે. આ ગાર્ડનના વિકાસ વખતે ૧૦૦ વર્ષ જૂના વૃક્ષને સાચવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે તેમ જ આ ગાર્ડનમાં ઔષધીય છોડ અને સુશોભન ફૂલોનાં કુલ ૧૫,૦૦૦ વૃક્ષો વાવવામાં આવ્યાં છે. અહીં એક કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યું છે અને એમાં વિવિધ જળચર વનસ્પતિ છોડ વાવવામાં આવ્યા છે. અહીં મોટા ભાગનાં વૃક્ષો પર QR કોડવાળાં માહિતી-બોર્ડ લગાવવામાં આવ્યાં છે અને એ QR કોડ સ્કૅન કરીને લોકો વૃક્ષો વિશે માહિતી મેળવી શકશે. ગાર્ડન બનાવતી વખતે ત્યાંનાં પ્રાચીન વડ અને પીપળા જેવાં વૃક્ષોનું જતન અને સૌંદર્યકરણ કરવામાં આવ્યું છે. વધુ ઑક્સિજન ઉત્પન્ન કરવા માટે આ ગાર્ડનમાં ૫૦૦થી વધુ વાંસનું વાવેતર કરવામાં આવ્યું છે.

mumbai news mumbai bandra kurla complex dharavi mumbai traffic police mumbai traffic brihanmumbai municipal corporation