BESTની શાન ગણાતી ઓપન-ડેક ડબલ-ડેકર બસ પાછી આવી રહી છે

10 August, 2026 07:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો બધું યોજના મુજબ ચાલશે તો આ વર્ષે દિવાળી સુધીમાં આ આઇકૉનિક બસો મુંબઈના માર્ગો પર દોડતી થઈ જશે.

BESTની ડબલ ડેકર બસ

મુંબઈની પ્રસિદ્ધ સાર્વજનિક પરિવહન સેવા બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય અૅન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગ પોતાના ઇતિહાસનું એક ખાસ પ્રતીક ફરી પાછું મેળવવા જઈ રહી છે. સંસ્થાના ચૅરપર્સને માહિતી આપી હતી કે BEST વધુ નવી ડબલ-ડેકર બસો ખરીદવાનું આયોજન કરી રહી છે જેમાં ૭થી ૮ ઓપન-ડેક બસોનો પણ સમાવેશ થાય છે. જો બધું યોજના મુજબ ચાલશે તો આ વર્ષે દિવાળી સુધીમાં આ આઇકૉનિક બસો મુંબઈના માર્ગો પર દોડતી થઈ જશે.
ઉલ્લેખનીય છે કે તમામ નૉન-AC ડબલ-ડેકર બસો સ્ક્રૅપ કરવામાં આવ્યા બાદ મુંબઈકરો અને પ્રવાસીઓમાં અત્યંત લોકપ્રિય એવી આ ઓપન-ડેક બસો પણ બંધ થઈ ગઈ હતી. 
સ્થાનિક નાગરિકો તેમ જ પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર રહેલી આ ઓપન-ડેક બસો મુંબઈના મોટા ઉત્સવો અને 
વિજય-સરઘસોની શાન રહી છે. ૨૦૦૭માં જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે અૅરપોર્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધીની યાદગાર વિજય-પરેડ આ જ ઓપન-ડેક બસમાં યોજાઈ હતી.
આ બસોનું આયુષ્ય પૂરું થઈ જતાં ૨૦૨૧-૨૨ની આસપાસ અેને ભંગારમાં આપી દેવાઈ હતી. અે સમયે વહીવટી તંત્રે આ બસોને નવી લાવીને પુનઃ શરૂ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ અે શક્ય બન્યું નહોતું. પરિણામે જુલાઈ ૨૦૨૪માં જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ માટે વિજય-પરેડ યોજવાની થઈ ત્યારે મુંબઈમાં બસ ઉપલબ્ધ ન હોવાથી ગુજરાતની એક ખાનગી કંપની પાસેથી ઓપન-ડેક બસ મગાવવી પડી હતી.

હૈદરાબાદ સુધી ગઈ હતી મુંબઈની બસ
૨૦૧૬માં ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતેલી પી.વી. સિંધુ અને તેના કોચ પુલેલા ગોપીચંદના ભવ્ય સ્વાગત અને વિજય-સરઘસ માટે હૈદરાબાદ શાસનની વિનંતી પર મુંબઈથી ૧૬૦૦ કિલોમીટર દૂર ખાસ આવી એક ઓપન-ડેક બસ મોકલવામાં આવી હતી.

mumbai news mumbai brihanmumbai electricity supply and transport mumbai transport