09 January, 2025 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૂનમ ઢિલ્લોં
ઍક્ટર પૂનમ ઢિલ્લોંના ખારના ઘરને કલર કરવા આવેલા પેઇન્ટરની ટીમમાંથી એક જણે એક લાખ રૂપિયાની હીરાની વીંટી, ૫૦૦ અમેરિકન ડૉલર અને ૩૫,૦૦૦ રોકડા રૂપિયાની ચોરી કરી હતી. જોકે પૂનમના મૅનેજરે પોલીસમાં ફરિયાદ કર્યા બાદ આરોપી સમીર અન્સારીને સોમવારે પકડી લેવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી હીરાની વીંટી, ૫૦૦ અમેરિકન ડૉલર અને ૨૫,૦૦૦ રૂપિયા રિકવર કર્યા હતા. બાકીના ૧૦,૦૦૦માંથી ૯૦૦૦ રૂપિયાની તેણે બીજા પેઇન્ટર્સ સાથે કરેલી પાર્ટીમાં વાપર્યા હતા.
૨૮ ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી વચ્ચે બનેલી આ ઘટનામાં સમીર અન્સારીએ બેડરૂમનું કબાટ લૉક ન હોવાથી એનો ફાયદો ઉઠાવ્યો હતો. પૂનમ ઢિલ્લોં જુહુમાં આવેલા તેમના ફ્લૅટમાં રહે છે અને તેમનો પુત્ર ઘણી વાર ખારના આ ફ્લૅટમાં રહેતો હોય છે. પાંચમી જાન્યુઆરીએ તે દુબઈથી પાછો આવ્યો ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.