પોલીસે રાજ કુન્દ્રાની ફરતે ગાળિયો વધુ કસ્યો

22 July, 2021 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની સાથે સંકળાયેલા લોકોનાં અકાઉન્ટ ફ્રીઝ કરતાં ૭.૨૦ કરોડ રૂપિયા અટવાઈ ગયા

રાજ કુન્દ્રા (તસવીર સૌજન્ય મિડ-ડે)

પૉર્નોગ્રાફીના કેસમાં પકડાયેલા બિઝનેસમૅન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના હસબન્ડ રાજ કુન્દ્રા સામેનો કેસ મજબૂત કરવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે. તેની સાથે આ કેસમાં સંકળાયેલા કેટલાક લોકોનાં બૅન્ક-અકાઉન્ટ પોલીસે ફ્રીઝ કરાવ્યાં છે, જેમાં ૭.૨૦ કરોડ રૂપિયાની રકમ હાલ અટકી ગઈ છે. વધુમાં પોલીસ હવે આ કેસમાં જે યુવતીઓ પાસે તેણે પૉર્ન ફિલ્મમાં કામ કરાવ્યું છે એ પીડિત યુવતીઓને સમન્સ મોકલાવી પૂછપરછ માટે બોલાવી તેમનાં સ્ટેટમેન્ટ નોંધશે. 
વધુમાં કેસની તપાસ કરી રહેલી પોલીસ ટીમે રાજ કુન્દ્રા અને તેના સાથીદારો દ્વારા જે ઍપ ચલાવાતી હતી એના કન્ટેન્ટ સ્ટોર કરતાં બધાં જ સર્વર જપ્ત કર્યાં છે અને સાઇબર એક્સપર્ટની મદદથી એમાંની વિગતો ચકાસવાનું હાથ ધર્યું છે. એવું જાણવા મળ્યું છે કે રાજ કુન્દ્રાની કંપનીએ હૉટશૉટ ઍપ ધરાવતી કંપની સાથે છેલ્લું ટ્રાન્ઝૅક્શન જાન્યુઆરી ૨૦૨૧માં કર્યું હતું. જોકે એ પછી એક મહિનો એટલે ફેબ્રુઆરીમાં જ આ સંદર્ભે એની સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. રાજ કુન્દ્રાએ તેની પૂછપરછમાં એમ કહ્યું છે કે તેણે હૉટશૉટ ઍપ ૨૦૧૯માં જ ૨૫,૦૦૦ ડૉલરમાં વેચી કાઢી હતી. 

Mumbai mumbai news raj kundra