વડા પ્રધાનના સુરક્ષા કમાન્ડોનું લોકલ ટ્રેનમાં પર્સ મારનાર આખરે પકડાયો

29 November, 2021 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આરોપીઓએ પોલીસ પકડે એ પહેલાં પર્સમાં રહેલા કાર્ડની મદદથી એટીએમમાંથી પાંચ ટ્રાન્ઝૅક્શન દ્વારા ૧૯,૦૦૦ રૂપિયા કઢાવી લીધા

વડા પ્રધાનના સુરક્ષા કમાન્ડોનું પાકીટ મારનાર આરોપી રાનુ અને તેનો મિત્ર હૈદર.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા કરતો એક એસપીજી કમાન્ડો વિલે પાર્લેથી ચર્ચગેટ મુંબઈ લોકલમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે તેનું પર્સ ચોરાઈ ગયું હતું. એમાં પડેલી રોકડ અને બૅન્કના એટીએમ કાર્ડના આધારે ગઠિયાએ તેના ખાતામાંથી ૧૯,૦૦૦ રૂપિયા કાઢી લીધા હતા. જોકે અંધેરી રેલવે પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ચોરી કરનાર અને બૅન્કનું એટીએમ ક્લોન કરનાર બન્ને આરોપીની ધરપકડ કરી છે.
એસપીજી (સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપ)ના કમાન્ડો સુભાષ ચંદ્રા બલ હાલમાં વડા પ્રધાનના સુરક્ષા કાફલા સાથે જોડાયેલો છે. થોડા દિવસની રજા હોવાથી તે ૬ નવેમ્બરે મુંબઈ પોતાના મિત્રને મળવા આવ્યો હતો. મિત્રને મળ્યા પછી તે વિલે પાર્લે સ્ટેશનથી ચર્ચગેટ જવા લોકલ ટ્રેનમાં ચડ્યો હતો. લોકલમાં બપોરના સમયે ભીડ ઓછી હોવાથી તે સીટ પર બેઠો હતો. પ્રભાદેવી સ્ટેશન નજીક આવતાં તે પર્સ કાઢવા ગયો ત્યારે માલૂમ થયું હતું  કે પર્સ ચોરાઈ ગયું હતું. એ પછી તે તરત અંધેરી રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવા ગયો હતો. થોડી જ વારમાં તેના મોબાઇલમાં તેના એટીએમ કાર્ડ દ્વારા પૈસા કઢાયાના મેસેજ આવ્યા હતા. એમાં ૧૯,૦૦૦ રૂપિયા પાંચ ટ્રાન્ઝૅક્શનમાં કઢાયા હતા જેની ફરિયાદ અંધેરી રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
અંધેરી રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દત્તાત્રય નિકમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદ નોંધાતાં અમે તરત તપાસ શરૂ કરી હતી. એમાં અમે પહેલાં સીસીટીવી કૅમેરાંનાં ફુટેજ જોયા પછી ટેક્નિકલ રીતે તપાસ કરતાં કાર્ડ ક્લોન કરનાર હૈદર શમસુદ્દીન શેખની મીરા રોડથી ધરપકડ કરી હતી. એ પછી પર્સની ચોરી કરનાર રાનુ પાંડેની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે રાનુ પાકીટ ચોરતો હતો. પાકીટમાંથી મળેલા પૈસા તે રાખતો હતો અને એમાં રહેલું એટીએમ કાર્ડ હૈદરને આપતો. હૈદર વાઇ-ફાઇ ઍક્ટિવેટરવાળા કાર્ડ દ્વારા પૈસા ઉપાડતો હતો.’

Mumbai mumbai news