23 December, 2025 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મીટિંગ કરી
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી પારદર્શક અને શિસ્તબદ્ધ રીતે યોજવા માટે તંત્ર તૈયાર છે એમ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા ચૂંટણી અધિકારી ભૂષણ ગગરાણીએ ગઈ કાલે જણાવ્યું હતું. આજથી ઉમેદવારી નોંધાવવાની કાર્યવાહી શરૂ થશે, ૩૦ ડિસેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે.
સોમવારે BMC હેડક્વૉર્ટર્સ ખાતે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ભૂષણ ગગરાણીએ બેઠક યોજી હતી જેમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી આચારસંહિતાનું કડક પાલન કરવા માટે તેમણે અપીલ કરી હતી.
BMCએ ઇલેક્શન ડિસિઝન ઑફિસર્સની ૨૩ ઑફિસ ઊભી કરી છે. નામાંકન પ્રક્રિયા, અરજીઓની ચકાસણી, વાંધાઅરજીઓ દાખલ કરવા જેવી મહત્ત્વની બાબતો વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત SVEEP (સિસ્ટમૅટિક વોટર્સ એજ્યુકેશન ઍન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન) કાર્યક્રમ હેઠળ મતદાતાઓને સમજણ આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે એમ ભૂષણ ગગરાણીએ કહ્યું હતું.