લોકોને ફરિયાદ કરવા રેલવેપ્રધાને શરૂ કરાવેલો જન શિકાયત કક્ષ બંધ

06 August, 2021 09:11 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

સેન્ટ્રલ રેલવેના દાદર સ્ટેશને ભૂતપૂર્વ રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ શરૂ કરાવ્યા બાદ છેલ્લા ઘણા સમયથી એ બંધ છે

દાદરનું આ જન શિકાયત કાર્યાલય રેલવેપ્રધાનની રાહ જોઈ રહ્યું હોવાનું લાગે છે.

રેલવેના પ્રવાસીઓ પોતાની રેલવે સંબંધી ફરિયાદ અને જરૂરી સુવિધાઓ વિશે માગણી કે કોઈ સજેશન આપવાનું હોય તો સીધા રેલવેપ્રધાન સુધી પહોંચાડવા માટે પત્ર લખવાની કે ટ્વીટ કરવાની જરૂર ન પડે એટલે સીધા રેલવેપ્રધાનને મળીને તેમની સમક્ષ મૂકી શકાય એવી સુવિધા ઊભી કરવામાં આવી હતી. ભૂતપૂર્વ રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ રેલવે પ્રવાસી માટે આ સુવિધા ઊભી કરવા સેન્ટ્રલ રેલવેના દાદર-ઈસ્ટમાં ‘જન શિકાયત’ નામના એક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. એ કાર્યાલયનું મોટી-મોટી જાહેરાતો કરીને ખૂબ વાજતેગાજતે ઉદ્ઘાટન થયું હતું, પરંતુ ત્યાર થયા બાદ એનો ઉપયોગ જ બંધ થઈ ગયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ કાર્યાલય શોભાના પૂતળાની જેમ ઊભું છે અને બંધ પડ્યું છે એથી હવે આ કાર્યાલય નવા રેલવેપ્રધાન અહીં આવે એની રાહ જોઈ રહ્યું છે. 
કાર્યાલયનો ઉપયોગ જ કરવો નહોતો તો  શા માટે પૈસા ખર્ચવામાં આવ્યા એવી નારાજગી વ્યક્ત કરતાં અને આ વિશે ટ્વીટ કરીને ફરિયાદ કરનાર રેલ યાત્રી પરિષદના અધ્યક્ષ સુભાષ ગુપ્તાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ભૂતપૂર્વ રેલવેપ્રધાન દ્વારા સેન્ટ્રલ રેલવેના દાદરમાં જન શિકાયત કાર્યાલયની શરૂઆત થઈ હતી. ઉદ્ઘાટન વખતે ખૂબ મોટી વાતો થઈ હતી, પણ ત્યાર બાદ સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓ સવારે ૧૦ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી પોતાની ફરિયાદ કે અન્ય કોઈ બાબત હોય તો ત્યાં જતા હતા. એ ઉપરાંત સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેએ કાર્યાલય માટે પોતાનો સ્ટાફ પણ આપ્યો હતો. સુરેશ પ્રભુ રેલવેપ્રધાન હતા ત્યાં સુધી કાર્યાલય યોગ્ય રીતે કામ કરી રહ્યું હતું, પરંતુ પીયૂષ ગોયલ રેલવે પ્રધાનપદે આવ્યા ત્યાર બાદ આ કાર્યાલયમાં કોઈ આવ્યું જ નહીં. એટલે ધીરે-ધીરે આ કાર્યાલય બંધ થઈ ગયું હતું. કાર્યાલયને ખર્ચો કરીને બનાવવામાં આવ્યું, પરંતુ એનો કોઈ ઉપયોગ થઈ રહ્યો ન હોવાથી પૈસા પાણીમાં ગયા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં કાર્યાલય બંધ પડ્યું છે, કોઈ સ્ટાફ નથી છતાં કાર્યાલય શરૂ છે કે નહીં એ વિશે કોઈ જ માહિતી નથી. પ્રવાસીઓ માટેટે પણ કન્ફ્યુઝન ઊભું કરે એવી પરિસ્થિતિ છે. અમુક પ્રવાસીઓ જેને જાણ નથી તેઓ હજી પણ કાર્યાલયમાં ફરિયાદ કરતા પહોંચે છે. રેલવે મંત્રાલય દ્વારા કાર્યાલય પ્રવાસીઓની સુવિધા માટે ઊભું કરાયું હતું તો પછી એને શરૂ જ રાખવું જોઈતું હતું અથવા બંધ જ કરી દો અને બોર્ડ પણ ઉતારી લો તો પ્રવાસીઓની મૂંઝવણ પણ દૂર થાય અને એ કાર્યાલયનો બીજો કોઈક રીતે ઉપયોગ કરી શકાય.’
કાર્યાલયનો કોઈક રીતે ઉપયોગ થવો જોઈએ એમ કહેતાં સુભાષ ગુપ્તાએ કહ્યું કે ‘કાર્યાલયમાં ખર્ચો કરીને એને એકદમ સરસ બનાવવામાં આવ્યું છે તો પછી એનો ઉપયોગ કરવો જરૂરી જ છે. આ વિશે મેં નવા રેલ મંત્રી સહિત ભૂતપૂર્વ બન્ને રેલ મંત્રીને ટ્વીટ કરીને ફરિયાદ કરી છે. એ સાથે રેલ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેને પણ ફરિયાદ કરી છે જેથી એના પર કોઈ તાત્કાલિક નિર્ણય લેવામાં આવે એવી આશા રાખવામાં આવી છે.’

રેલવે શું કહે છે?
આ વિશે સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ કાર્યાલયનું ૨૦૧૫માં સુરેશ પ્રભુ દ્વારા ઉદ્ઘાટન થયું હતું. એના થોડા વખત બાદ એ ચાલુ નથી. આ કાર્યાલય પહેલાં ડેપ્યુટી ચીફ એન્જિનિયર (કન્ટ્રકશન)ની ઑફિસ હતી એને રિનોવેટ કરીને આ કાર્યાલય શરૂ કરવાનો નિર્ણય રેલ મિનિસ્ટરી દ્વારા લેવાયો હતો. દરેક રેલવે પ્રવાસી દિલ્હી સુધી ફરિયાદ, માગણી માટે જઈ શકતા નથી એટલે રેલ મંત્રીને મળીને પ્રત્યક્ષ ફરિયાદ કે અન્ય કંઈ બાબત હોય એ કરી શકાય એટલે આ સુવિધા ઊભી કરાઈ હતી.’

Mumbai mumbai news preeti khuman-thakur