મુમ્બાદેવી મંદિર પરિસરના રિનોવેશનનો પ્રોજેક્ટ અટકી ગયો

20 October, 2025 07:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૫૦ કરોડના રીડેવલપમેન્ટ પ્લાનમાં સૌથી મહત્ત્વની રોબોટિક પાર્કિંગ વ્યવસ્થાની પ્રપોઝલ સુરક્ષાની દૃષ્ટિએ પાસ ન થઈ

મુંબઈનાં સૌથી જૂનાં મંદિરોમાંના એક મુમ્બાદેવી મંદિરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે

મુંબઈના પ્રખ્યાત મુમ્બાદેવી મંદિરની આસપાસના વિસ્તારને હેરિટેજ સ્ટાઇલમાં રિનોવેટ કરવાનો પ્રોજેક્ટ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ અત્યારે અટકાવી દીધો છે. આ પ્રોજેક્ટમાં મંદિરની પાછળના ભાગમાં રોબોટિક પાર્કિંગ સિસ્ટમ ઊભી કરવાનો પ્રસ્તાવ હતો. આ પાર્કિંગને કારણે મંદિરની સુરક્ષા જોખમાઈ શકે એવી આશંકાને પગલે BMCએ આ નિર્ણય લીધો છે.

આશરે ૧૫૦ કરોડના આ પ્રોજેક્ટમાં માત્ર રોબોટિક પાર્કિંગ માટે જ ૧૩૦ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે. આખા પ્રોજેક્ટનો હેતુ મંદિરના હેરિટેજ લુકને જાળવીને પરિસરની ભીડ ઓછી કરવાનો અને નજીકના સ્ટૉલ્સનું રીડેવલપમેન્ટ કરવાનો છે. જોકે ૬૦૦ કારનો સમાવેશ થાય એવી રોબોટિક પાર્કિંગ યોજના પર સ્ટે આવવાને કારણે આખો પ્રોજેક્ટ હવે ખોરંભે ચડ્યો છે.

મુંબઈનાં સૌથી જૂનાં મંદિરોમાંના એક મુમ્બાદેવી મંદિરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ મંદિરમાં પ્રવેશવા માટેની સાંકડી ગલી અને મુખ્ય બજારની ભીડને કારણે દર્શનાર્થીઓને ખૂબ મુશ્કેલી પડે છે એથી મંદિર પરિસરને મોકળો કરવાની યોજના હાથ ધરવામાં આવી હતી. રોબોટિક પાર્કિંગના પ્રપોઝલ વિશે નિર્ણય થયા પછી જ હવે મુમ્બાદેવી મંદિરના રીડેવલપમેન્ટનું કામ આગળ વધે એવી શક્યતા છે.

નૅશનલ પાર્કમાં આવી ગઈ છે ૧૦ નવી ઈ-બગી

સંજય ગાંધી નૅશનલ પાર્ક (SGNP)માં ઇન્ટર્નલ ટ્રાન્સપોર્ટ માટે ૧૦ નવી ઇલેક્ટ્રિક બગી (ઈ-બગી) ઉમેરવામાં આવી છે. આવી બગીની સંખ્યા હવે વીસેક જેટલી થઈ ગઈ છે. ભવિષ્યમાં આ સંખ્યા ૬૦ જેટલી થશે. આ ઈ-બગીમાંથી કેટલીક સ્થાનિક આદિવાસી મહિલાઓ ચલાવતી જોવા મળશે. નૅશનલ પાર્કના એન્ટ્રી પૉઇન્ટથી કાન્હેરી કેવ્સ સુધી પાંચ કિલોમીટરના રસ્તા પર ઈ-બગી ચલાવવામાં આવશે. તસવીર : રણજિત જાધવ

mumbai news mumbai religious places brihanmumbai municipal corporation mumbai travel