સબર્બન કલેક્ટર સામે જ પિટિશન

09 December, 2021 08:04 AM IST  |  Mumbai | Vinod Kumar Menon

સેંકડો કરોડનું ટ્રાન્સફર પ્રીમિયમ ન વસૂલ્યું :

વિદ્યાવિહાર-વેસ્ટના નીલકંઠ કિંગડમમાં હાલ સાત રહેણાક ઇમારતો છે.

વિદ્યાવિહારમાં આવેલા નીલકંઠ કિંગડમના એક ફ્લૅટઓનરે મુંબઈ સબર્બન ક્લેક્ટરની ઑફિસની ખિલાફ છેલ્લા એક દાયકામાં કથિ‌ત રીતે સેંકડો કરોડ રૂપિયાનું ટ્રાન્સફર પ્રીમિયમ ન વસૂલ કરવા બદલ બૉમ્બે હાઈ કોર્ટમાં યાચિકા દાખલ કરી છે. યાચિકાકર્તાએ આ બિલ્ડિંગ જે જમીન પર આવ્યું છે એના લીઝી વિદ્યાવિહાર કન્ટેનર્સ લિમિટેડ, ડેવલપર અને આ કૉમ્પ્લેક્સમાં આવેલી છ રજિસ્ટર્ડ હાઉસિંગ સોસાયટીઓને પણ આ કેસમાં પાર્ટી બનાવી છે. નીલકંઠ કિંગડમ સોસાયટીની જમીન સબર્બન કલેક્ટરે લીઝ પર આપી હોવાથી એના કન્સ્ટ્રક્શન, ખરીદી, વેચાણ અને મૉર્ગેજ જેવાં ટ્રાન્ઝૅક્શન કરવા માટે ક્લેક્ટરને અમુક પેમેન્ટ કરવાનું હોય છે. ૨૦૦૮માં પૂરો થનારો આ પ્રોજેક્ટ હજી પત્યો નથી છતાં ફ્લેટધારકો ઑક્યુપેશન સર્ટિફિકેટ વગર જ રહેવા આવી ગયા છે.  જોકે આની સામે ત્યાં જ રહેતાં સૉલિસિ‌ટર સ્તુતિ ગલિયાએ યાચિકા દાખલ કરી છે. તેમણે કહ્યું હતું કે ‘આ કૉમ્પ્લેક્સને માનવતાના ધોરણે પાણીનું કનેક્શન આપવામાં આવ્યું છે. એવા ઘણા દાખલા છે જેમાં ડેવલપર અથવા તો રહેવાસીએ મૃત્યુ પામેલા ફ્લૅટધારકની ખોટી સહી કરીને ફ્લૅટ પોતાના ઉપયોગ માટે ટ્રાન્સફર કરાવી લીધો હોય.’
સૉલિસિટરે આ પહેલાં વિક્રોલી મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટમાં આ બાબતે એક ક્રિમિનલ કેસ પણ દાખલ કર્યો હતો જેના આધારે કોર્ટે ઘાટકોપર પોલીસને આ ઘટનાની તપાસ કરીને રિપોર્ટ આપવા કહ્યું હતું.
આ પ્રોજેક્ટ એક દાયકો મોડો થયો હોવાથી એના લૉન્ચથી અત્યાર સુધીમાં સંખ્યાબંધ પ્રૉપર્ટી ટ્રાન્ઝૅક્શન થઈ ગયાં છે. આરટીઆઇના આધારે મળેલી માહિતી અનુસાર ૨૦૧૧ અને ૨૦૨૧ની વચ્ચે ૨૩૮ જેટલી લે-વેચ થઈ હતી. આ સોદાઓમાંથી ૧૦૦ જેટલા સોદાઓ આંતરિક વિખવાદોની પતાવટ માટે ગ્રુપ કંપનીઓ વચ્ચે ટ્રાન્સફર કરાયા હતા અને પછીથી અન્ય પક્ષોને વેચાણ કરી દેવાયું હતું.
સ્તુતિ ગલિયાએ જણાવ્યું હતું કે ‘સરકારી ઠરાવ પ્રમાણે સબર્બન કલેક્ટરના અધિકારક્ષેત્ર હેઠળની તથા મુંબઈ સબર્બન જિલ્લાની હદમાં આવેલી જમીન પર આવેલા ફ્લૅટના વેચાણ કે ટ્રાન્સફર માટે (જો આવું વેચાણ કે ટ્રાન્સફર ઑક્યુપેશન સર્ટિફિકેટ મળ્યાની તારીખથી પાંચ વર્ષની અંદર થઈ રહ્યું હોય તો) પ્રત્યેક ચોરસફુટ માટે ૫૦૦ રૂપિયાનું પ્રીમિયમ અથવા તો ઍગ્રીમેન્ટની રકમના ત્રણ ટકા બંનેમાંથી જે પણ વધુ હોય એ ચૂકવવાનું રહે છે.’
સ્તુતિ ગલિયાએ ઉમેર્યું હતું કે ‘જીઆરમાં ફ્લૅટ કલેક્ટરની મંજૂરી વિના ટ્રાન્સફર કરાયો હોય તો દંડની જોગવાઈ પણ છે, જે ટ્રાન્સફર પ્રીમિયમની રકમ કરતાં બમણો છે. એ જ રીતે જો ઑક્યુપન્સી સર્ટિફિકેટ મળ્યાનાં પાંચ વર્ષની અંદર કલેક્ટરની મંજૂરી વિના ટ્રાન્સફર થાય તો દંડની રકમ ટ્રાન્સફર પ્રીમિયમની રકમ કરતાં ત્રણગણી હોય છે.’
સ્તુતિ ગલિયાએ વધુ જાણકારી આપતાં કહ્યું હતું કે ‘એ પછીના દરેક વેચાણ સાથે ચૂકવવાપાત્ર રકમ વધતી જશે. આથી આ તમામ ૨૩૮ ટ્રાન્ઝૅક્શન્સ માટે ટ્રાન્ઝૅક્શન પ્રીમિયમના સ્વરૂપમાં કલેક્ટર ઑફિસને ચૂકવવાની આ ફ્લૅટ માટેની બાકીની રકમ આશરે ૧૦૦થી ૧૨૦ કરોડ રૂપિયા થાય છે. વાસ્તવિક રકમ ઊંચી પણ હોઈ શકે છે, કારણ કે મૉર્ગેજ વ્યવહારો પણ થયા છે.’ 
તેમણે કહ્યું હતું કે ‘આ ઉપરાંત બાંધકામના સમયગાળામાં એક્સ્ટેન્શન માગવા બદલ વિદ્યાવિહાર કન્ટેનર્સ વધારાનો ૧૨૨ કરોડ રૂપિયાનો દંડ પણ ચૂકવવાપાત્ર છે. ડેવલપર દ્વારા કેટલુંક દોષપૂર્ણ સબમિશન પણ કરવામાં આવ્યું છે. આથી ચૂકવવાપાત્ર રકમ ૫૦૦ કરોડથી વધુ થઈ શકે છે.’ 

સ્તુતિ ગલિયાએ જણાવ્યું હતું કે ‘આમ એક વખત ડેવલપર્સ હાઉસિંગ સોસાયટીઓનું ફેડરેશન બનાવે એ પછી અગાઉના તમામ વ્યવહારોની ચુકવણી માટે ફ્લૅટમાલિકો જવાબદાર રહેશે. ફ્લૅટ મેળવનારા લોકોએ નિયમનકારી કાર્યવાહીનો સામનો ન કરવો પડે એ જરૂરી છે.’ 
તેમણે ચેતવણીના સ્વરમાં જણાવ્યું હતું કે ‘કેટલાક ફ્લૅટમાલિકો એવી ગેરમાન્યતા ધરાવે છે કે નિયમનકર્તા ભવિષ્યમાં કાર્યવાહી કરવાનો નિર્ણય લે તો પણ તે ડેવલપર સામે કરશે, ફ્લૅટમાલિકો સામે નહીં. આ આખી વાત ડેવલપરે ઊપજાવી હોય એમ લાગે છે.’ 
આ મામલાની સુનાવણી ક્રિસમસના વેકેશન પછી અદાલત પુનઃ શરૂ થાય ત્યારે હાથ ધરાય એવી શક્યતા છે. સબર્બન કલેક્ટર નિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘છેલ્લા ત્રણ મહિનાના મારા કાર્યકાળ દરમિયાન આ મામલો મારી જાણમાં આવ્યો નથી. છતાં હું એના પર ધ્યાન આપીશ અને તથ્યો જાણવા માટે વિસ્તૃત માહિતી મેળવીશ. જો કોઈ ગેરરીતિ જણાશે તો કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.’

Mumbai mumbai news vinod kumar menon