27 December, 2025 07:54 AM IST | Mumbai | Rohit Parikh
યતિન દેઢિયા
ઘાટકોપર-વેસ્ટના જગડુશાનગરની ગુણદર્શન સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષના યતિન દેઢિયાએ ગુરુવારે સવારે ૮.૩૦ વાગ્યે ઘરેથી બે-ત્રણ બિલ્ડિંગ છોડીને આવેલી તેમની ટેલરિંગની દુકાનમાં પંખા પર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ બનાવથી જગડુશાનગરના કચ્છી અને ગુજરાતી સમાજમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી પ્રમાણે યતિને ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી છે છતાં પોલીસ આ બાબતની વધુ તપાસ કરી રહી છે.
કચ્છી વીસા ઓસવાળ જૈન યતિન દેઢિયા ઘણાં વર્ષોથી જગડુશાનગરમાં રહીને ટેલરિંગકામ કરતા હતા. સુખી પરિવારના યતિનભાઈએ પાંચ મહિના પહેલાં જ તેમની એકની એક દીકરીનાં લગ્ન ધામધૂમથી કર્યાં હતાં. જોકે છેલ્લા દોઢેક મહિનાથી તેઓ સ્ટ્રેસમાં રહેતા હતા. તેમના પરિવારમાંથી મળેલી માહિતી પ્રમાણે યતિનભાઈની ડિપ્રેશનની દવા ચાલતી હતી.
આ બાબતે યતિનભાઈ જે સોસાયટીમાં રહેતા હતા એ સોસાયટીના રહેવાસીઓએ યતિનની આત્મહત્યા સામે આશ્ચર્ય વ્યક્ત કરતાં ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘યતિન અમારી સોસાયટીની કમિટીમાં હતા. સદા હસમુખા રહેતા હતા. જોકે છેલ્લા થોડા મહિનાથી જગડુશાનગરની રૂંધાયેલી પ્રગતિને કારણે અને સમયની સાથે ટેલરિંગના બિઝનેસમાં આવેલી મંદીને કારણે ચિંતામાં રહેતા હતા. તેમને હવે શું થશે એની ચિંતા સતાવતી હતી, પરંતુ તેમના મિત્રો તેમને હવે તમે બે જ માણસ તો છો, હવે મસ્ત જીવી લો કહીને સમજાવતા હતા છતાં તેઓ માનસિક તાણમાં રહેતા હતા.’
ગુરુવારે સવારે યતિનભાઈ ઘરેથી ૮.૨૦ વાગ્યે દુકાને જવા નીકળ્યા હતા એ સંદર્ભે યતિનભાઈના એક રિલેટિવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થોડી વારમાં જ તેમની પત્ની બીના પણ તેમની પાછળ દુકાને ગઈ હતી, પરંતુ શટરને લૉક લાગેલું જોઈને બીનાએ દુકાનનો જે માણસ દુકાનમાં રહેતો હતો તેને ફોન કર્યો હતો. દુકાનના માણસે કહ્યું હતું કે હું બહાર છું અને શેઠ દુકાનમાં પાછળના દરવાજેથી આવ્યા હતા, દુકાનમાં જ છે. બીના તરત દુકાને ગઈ હતી અને શટર ખોલીને જોયું તો યતિન ગળાફાંસો ખાઈને પંખા પર લટકતો હતો.’
પોલીસ શું કહે છે?
ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સતીશ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યતિન થોડા સમયથી આર્થિક મુસીબતનો સામનો કરી રહ્યો હતો જેથી ખર્ચ ઉઠાવવાનું મુશ્કેલ બની ગયું હતું. એટલે માનસિક તાણમાં આવી ગયેલા યતિને ગુરુવારે સવારે તેની દુકાનના પંખા પર ઓઢણી વડે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.’