શહેરના લાખો દુકાનદારોને પજવી રહેલા મરાઠી બોર્ડના મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે

05 November, 2022 08:44 AM IST  |  Mumbai | Rohit Parikh

કોર્ટના આદેશનો ફાયદો ફક્ત ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના સભ્યો અને એની સાથે સંકળાયેલાં અન્ય ફેડરેશનોના સભ્યોને જ મળવાનો છે

વેપારીઓને મળી સિલેક્ટિવ રાહત

ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન દ્વારા મુંબઈ મહાનગરપાલિકા અને મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ મરાઠી બોર્ડના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરવામાં આવી હતી. જોકે સરકારે આજ સુધી સુપ્રીમ કોર્ટે મોકલાવેલી નોટિસનો જવાબ આપ્યો નથી. આથી આ રિટ પિટિશનની સુનાવણી શરૂ થવામાં વિલંબ થવાની શક્યતાઓ રહેલી છે. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટ રિટ પિટિશન પર કોઈ દિશાનિર્દેશો આપે નહીં ત્યાં સુધી મુંબઈ મહાનગરપાલિકા દુકાનદારો કે સંસ્થાનો પર કોઈ કાર્યવાહી કરી શકે નહીં એવા સ્ટેની ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં માગણી કરવામાં આવી હતી. ગઈ કાલે સુપ્રીમ કોર્ટે ફેડરેશનની માગણી સ્વીકારી હતી. અત્યારે મુંબઈ મહાનગરપાલિકાની ચાલી રહેલી મરાઠી બોર્ડની સામેની કાર્યવાહીમાંથી ફેડરેશનના સભ્યોને ૧૮ ડિસેમ્બર સુધી રાહત મળી છે. 
આ માહિતી આપતાં ફેડરેશનના અધ્યક્ષ વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રની દુકાનો અને સંસ્થાઓ (રોજગારનું નિયમન અને સેવાની શરતો)માં લાવવામાં આવેલા સુધારાની બંધારણીયતાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં  આવી છે. આ અરજીમાં અધિનિયમ ૨૦૧૭ અધિનિયમની કલમ ૩૬-એ તેમ જ મહારાષ્ટ્ર શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ્સ (રોજગાર અને સેવાની શરતોનું નિયમન) નિયમો, ૨૦૧૮ના નિયમ ૩૫ની માન્યતાને પડકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી કરવા સંમત થઈ છે. જોકે મહાનગરપાલિકા અને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા જુલાઈ મહિનામાં મોકલવામાં આવેલી નોટિસનો હજી સુધી જવાબ આપ્યો નથી. એની સામે મુંબઈ મહાનગરપાલિકાએ મરાઠી બોર્ડ મૂકવા માટે આપેલી સમયમર્યાદા જે ૩૦ સપ્ટેમ્બર સુધી દુકાનદારોને આપવામાં આવી હતી એ સમાપ્ત થઈ ગઈ છે. આથી જ્યાં સુધી ફેડરેશન તરફથી કરવામાં આવેલી રિટ પિટિશન પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે નહીં ત્યાં સુધી મુંબઈ મહાનગરપાલિકા બળજબરીપૂર્વક દુકાનદારો કે સંસ્થાનો પર કોઈ કાર્યવાહી કરી શકે નહીં એ હેતુથી ફેડરેશને મહારાષ્ટ્ર સરકારના ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૨ના આદેશ પર સ્ટે આપવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. આ અરજીની સામે ગઈ કાલે સુપ્રીમ કોર્ટે મુંબઈ મહાનગરપાલિકાની કાર્યવાહીમાંથી ફેડરેશનના સભ્યોને ૧૮ ડિસેમ્બર સુધી રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટના સ્ટેનો ફાયદો ફક્ત ફેડરેશનના સભ્યો અને અમારી સાથે સંકળાયેલાં અન્ય ફેડરેશનોના સભ્યોને જ મળશે.’ 
આ દરમિયાન મુંબઈમાં દુકાનો અને વ્યાપારી સંસ્થાઓ માટે મરાઠીમાં સાઇનબોર્ડ લગાવવાની સમયમર્યાદા ૩૦ સપ્ટેમ્બરે પૂરી થયા પછી મુંબઈ મહાનગરપાલિકાના શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટે ગઈ કાલ સુધીમાં ૨૭,૧૮૦ સ્થળોની મુલાકાત લીધી હતી. એમાંથી ૨૨,૧૬૯ દુકાનદારો અને સંસ્થાઓએ કાયદાનો અમલ કરીને મરાઠીમાં બોર્ડ લગાડ્યાં હતાં, જ્યારે ૫૦૧૧ દુકાનદારો અને સંસ્થાઓને કાયદાનું પાલન ન કરવા માટે મહાનગરપાલિકાએ નોટિસ આપી હતી. જોકે ગઈ કાલ સુધી એણે કોઈના પર દંડાત્મક કાર્યવાહી કરી નથી. 
અમે જે વ્યાપારી સંસ્થાઓએ હજી સુધી મરાઠી બોર્ડ લગાડ્યાં નહીં હોય એમના પર અગાઉ જાહેર કર્યા પ્રમાણે દંડાત્મક કાર્યવાહી શરૂ કરીશું એમ જણાવીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (સ્પેશ્યલ) સંજોગ કાબરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અત્યારે શરૂઆતમાં મુંબઈના મુખ્ય રાજમાર્ગો પર આવતી દુકાનોને નોટિસ આપવાની શરૂઆત કરી છે. અમે આ દુકાનદારોને નોટિસ આપ્યા પછી પણ હજી સુધી જો તેઓ તેમની દુકાનોનાં સાઇનબોર્ડ મરાઠીમાં લગાડવમાં નિષ્ફળ ગયા હશે તો તેમના પર અમારા અધિકારીઓની સ્પેશ્યલ ટીમ દંડાત્મક કાર્યવાહી કરવાની શરૂઆત કરશે. આમ તો અમે તરત જ આ કાર્યવાહી શરૂ કરવાના હતા, પરંતુ અમારા પર અત્યારે પૉલ્યુશન ડિપાર્ટમેન્ટ તરફથી પ્લાસ્ટિકના સંદર્ભમાં ઍક્શન લેવાનું દબાણ છે. એની સાથે અમારા અમુક અધિકારીઓ અંધેરીની ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી અમારી મરાઠી બોર્ડ માટેની દંડાત્મક કાર્યવાહીમાં થોડો વિલંબ થયો છે. જોકે અમે ગમે એ મોમેન્ટે આ કાર્યવાહીની શરૂઆત કરીશું. તેથી દુકાનદારો જેમને અમે નોટિસ સર્વ કરી છે તેમણે હજી સુધી તેમનાં બોર્ડ બદલ્યાં ન હોય તો તેઓ વહેલી તકે તેમનાં સાઇનબોર્ડ મરાઠીમાં રાજ્ય સરકારના આદેશ પ્રમાણે લગાડી દે. અમે આ વ્યાપારી સંસ્થાઓ સામે કોર્ટમાં કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી લીધી છે. અમે ટૂંક સમયમાં આ વ્યાપારી સંસ્થાઓને બીજી નોટિસ આપીને દંડાત્મક કાર્યવાહી કરવાની શરૂઆત કરીશું.’
હાલની જોગવાઈ જણાવે છે કે દુકાનો પર કર્મચારીદીઠ ૨,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે એમ જણાવીને સંજોગ કાબરેએ કહ્યું હતું કે ‘જો દુકાનમાલિકો કોઈ પણ વિવાદ વગર મહાનગરપાલિકામાં આવીને દંડ ભરવાનું પસંદ કરશે તો તેમની સામે મહાનગરપાલિકા કોર્ટની કાર્યવાહી કરશે નહીં. હાલમાં મુંબઈમાં પાંચ લાખથી વધુ દુકાનો અને વ્યાપારી સંસ્થાઓ છે અને એમાંથી ૫૦ ટકાથી ઓછા દુકાનમાલિકોએ તેમનાં સાઇનબોર્ડને મરાઠીમાં લગાવ્યાં છે. અમે તેમની દુકાનોના ફોટાગ્રાફ્સ લઈને તેમને નોટિસ મોકલી હતી અને હજી જે દુકાનદારોએ બોર્ડ બદલ્યાં નથી તેમને નોટિસ મોકલવાનું ચાલુ જ છે.’
મહાનગરપાલિકાએ દુકાનોનું નિરીક્ષણ કરવા માટે વિવિધ વોર્ડ અને ઝોનલ સ્તરે ૬૦ નિરીક્ષકોની નિમણૂક કરી હતી એમ જણાવીને સંજોગ કાબરેએ કહ્યું હતું કે ‘અમે અમારી ટીમને રોજ ૩૦૦૦  દુકાનોનું નિરીક્ષણ કરવાનો ટાર્ગેટ આપ્યો છે. અત્યારે આ અધિકારીઓ મુંબઈ અને ઉપનગરોના મુખ્ય રાજમાર્ગો પર આવેલી દુકાનોનું નિરીક્ષણ કરી એમના ફોટો પાડીને ઍક્શન લઈ રહ્યા છે. અમે હમણાં નાની-નાની ગલીઓમાં આવેલી દુકાનોને ટાર્ગેટ બનાવી નથી, પણ એમના પર પણ નજર રાખી રહ્યા છીએ. અમે પહેલાં મુખ્ય રાજમાર્ગો પર આવેલી નાની-મોટી દુકાનો અને શોરૂમનું નિરીક્ષણ કરી રહ્યા છીએ.’

અમારી પાસે હજી કોર્ટના ઑર્ડરની કૉપી આવી નથી 
ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનને ગઈ કાલે મરાઠી બોર્ડના મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા સ્ટેના સંદર્ભમાં સંજોગ કાબરેએ કહ્યું હતું કે ‘પહેલું તો એ કે અમારી પાસે હજી કોર્ટના ઑર્ડરની કૉપી આવી નથી. આમ છતાં આ સ્ટે ફક્ત ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના સભ્યો માટે જ હશે તો અમે પહેલાં તપાસ કરીશું કે તેમણે કોર્ટમાં તેમના મેમ્બરોની યાદી સબમિટ કરી છે કે નહીં. જો તેમણે સબમિટ નહીં કરી હોય તો તેમની પાસેથી અમે તેમના મેમ્બરોની યાદી મગાવીને ત્યાર પછી આગળની કાર્યવાહી પર નિર્ણય કરીશું.’

Mumbai mumbai news rohit parikh