26 July, 2026 08:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે સંયુક્ત પત્રકાર-પરિષદને સંબોધતા MNSના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે. તસવીર : અતુલ કાંબળે
કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધા બાદ પણ શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે આજે દાદરના શિવાજી પાર્કથી પ્રભાદેવીમાં સિદ્ધિવિનાયક મંદિર સુધી તિરંગા માર્ચ કાઢશે એમ તેમણે શનિવારે યોજેલી સંયુક્ત પત્રકાર-પરિષદ દરમ્યાન જણાવ્યું હતું.
વર્ષો બાદ લોકો પોતાની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યા હોવાનું જણાવીને રવિવારે યુવાશક્તિની તાકાત બતાવવા માટે મોરચો કાઢવામાં આવશે જ એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.
રાજ ઠાકરેએ આજે યોજાનારી તિરંગા માર્ચને યુવાનોની શક્તિને બિરદાવવા માટેનો મોરચો ગણાવ્યો હતો અને એમાં લોકોને મોટા પાયે સામેલ થવાનું આહ્વાન કર્યું હતું.
ઠાકરે બંધુઓની તિરંગા માર્ચ પર દેવેન્દ્ર ફડણવીસનું નિશાન: રાજકારણમાં ખોવાયેલું સ્થાન પાછું મેળવવાનો પ્રયાસ
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે દ્વારા આજે યોજાનારી તિરંગા માર્ચ પર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નિશાન તાક્યું હતું અને બન્ને ઠાકરે ભાઈઓ રાજકારણમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટેના પ્રયાસ કરી રહ્યા હોવાનો ટોણો માર્યો હતો. વિદ્યાર્થીઓના હિત માટે આંદોલનને સમર્થન આપવાના બહાને તેઓ રાજકારણમાં ટકી રહેવાનો પ્રયત્ન કરતા હોવાનું તેમણે જણાવ્યું હતું. શનિવારે વહેલી સવારે અષાઢી એકાદશી નિમિત્તે પંઢરપુરમાં વિઠ્ઠલ-રુક્મિણી મંદિરમાં પત્ની અમૃતા ફડણવીસ સાથે દર્શન કર્યા બાદ તેમણે આ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘લોકશાહીમાં બધાને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે, પરંતુ મારા મતે આ મોરચાને વિદ્યાર્થીઓ સાથે કંઈ લેવાદેવા નથી. આ રાજકારણમાં તેમના માટે ફરી સ્થાન બનાવવાનો પ્રયાસ માત્ર છે. છતાં હું તેમને મારી શુભેચ્છાઓ પાઠવું છું.’